Share Market Sensex Nifty Today : શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત એકંદરે સકારાત્મક રહેતા સેન્સેક્સ અને નિફ્ટી વધીને બંધ થયા છે. વોલેટાઇલ માર્કેટમાં બપોર બાદ શેરબજારમાં નીચા મથાળે લેવાલી નીકળતા બીએસઇ સેન્સેક્સ 72700 અને એનએસઇ નિફ્ટી 50 ઈન્ડેક્સ 22000 ઉપર બંધ રહ્યા હતા. મિડેકપ સાધારણ વધ્યો પણ સ્મોલકેપ ઈન્ડેક્સમાં વેચવાલીનું દબાણ હતું. અદાણી ગ્રૂપની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના શેર તૂટ્યા હતા.
સેન્સેક્સ અને નિફ્ટી મજબૂત
શેરબજારના બેન્ચમાર્ક બીએસઇ સેન્સેક્સ પાછલા બંધ 72643 થી નીચા ગેપમાં 72587 ખૂલ્યા બાદ વેચવાલીના દબાણથી 72314 સુધી ઘટ્યા હતા. પણ બપોર બાદ નીચા મથાળે પસંદગીના શેરમાં ખરીદી નીકળતા બજાર વધ્યુ અને સેન્સેક્સ 72985 ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો. સેશનના અંતે સેન્સેક્સ 105 પોઇન્ટની મજબૂતીમાં 72748 બંધ થયો હતો.

તો એનએસઇ નિફ્ટી 50 બેન્ચમાર્ક 21916 થી 22123 રેન્જમાં અથડાયા બાદ સેશનના અંતે 32 પોઇન્ટ વધી 22055 બંધ થયો હતો. સેન્સેક્સના 30માંથી 16 અને નિફ્ટી 50 ઈન્ડેકસના 50માંથી 29 શેર રેડ ઝોનમાં બંધ થયા હતા. હિન્દુસ્તાન યુનિલિવર, વિપ્રો, ટાયટન, ટીસીએસ અને ઈન્ફોસિસ 1.2 ટકા થી 2 ટકા તૂટી ટોપ 5 લૂઝર સ્ટોક હતા.
આઈટી અને ટેક શેરમાં મંદી, મેટલ અને ઓટો ઇન્ડેક્સ મજબૂત
બોર્ડર માર્કેટની વાત કરીયે તો મિડકેપ ઇન્ડેક્સ સાધારણ વધ્યો હતો જ્યારે વેચવાલીના દબાણથી સ્મોલકેપ ઈન્ડેક્સ રેડ ઝોનમાં હતો.સેક્ટોરિયલ ઈન્ડાઇસિસમાં ટેક અને આઈટી ઈન્ડેક્સ સૌથી વધુ તૂટ્યા હતા. તો મેટલ ઈન્ડેક્સ 3 ટકા અને ઓટો 1 ટકા વધ્યા હતા.
શેરબજારમાં સાધારણ સુધારાથી રોકાણકારોની સંપત્તિમાં 30000 કરોડનો ઉમેરો થયો છે. આજે ટ્રેડિંગ બંધ થયા બાદ બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ વેલ્યૂએશન 378.79 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે બીએસઇની માર્કેટકેપ 378.50 લાખ કરોડ રૂપિયા હતી.

અદાણી ગ્રૂપના તમામ 10 શેરમાં કડાકો
શેરબજારમાં લિસ્ટેડ અદાણી ગ્રૂપની તમામ 10 કંપનીઓના શેર પાંચ ટકા સુધી તૂટ્યા હતા. શેર ઉપરાંત અદાણી ગ્રૂપના ડોલર બોન્ડમાં છ મહિનાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. અદાણી ગ્રૂપ સામે ફરી લાંચ મામલે તપાસના અહેવાલથી સેન્ટિમેન્ટ ખરડાયું છે.
બ્લૂમબર્ગની ન્યૂઝ રિપોર્ટ અનુસાર અમેરિકાની સરકારે લાંચના આશંકામાં અદાણી ગ્રૂપ સંબંધિત તપાસનો દાયરો વધાર્યો છે. અમેરિકાની તપાસ એજન્સી એ વાતની તપાસ કરી રહી છે કે, અદાણી ગ્રૂપની એક કંપની કે અદાણી સહિત કંપનીના અન્ય વ્યક્તિઓ ભારતમાં એક એનર્જી પ્રોજેક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને લાંચ આપવામાં સામેલ છે કે નહીં. વધુ વાંચવા અહીં ક્લિક કરો