Sensex Nifty Return In 2023 Year: ભારતીય શેરબજારમાં ડબલ ડિજિટ રિટર્ન સાથે વર્ષ 2023 રોકાણકારો માટે ફાયદાકારક રહ્યું છે. આ સાથે સતત આઠમાં વર્ષે સેન્સેક્સ – નિફ્ટી વાર્ષિક ધોરણે પોઝિટિવ રિટર્ન આપ્યું છે. સ્થાનિક અને વૈશ્વિક મોરચે ઘણા પડકારો વચ્ચે શેરબજારમાં બુલરન યાલુ રહેતા સેન્સેક્સ અને નિફ્ટી સતત નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા હતા. હવે વર્ષ 2024માં પણ શેરબજારમાં તેજી ચાલુ રહેવાની વ્યાપક અપેક્ષા રાખવામાં આવી રહી છે.
સેન્સેક્સ – નિફ્ટીમાં 20 ટકા રિટર્ન (Sensex Nifty Return In 2023 Year)
કેલેન્ડર વર્ષ 2023ના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર ઘટીને બંધ થયા હતા. 29 ડિસેમ્બર, 2023ના રોજ બેન્ચમાર્ક બીએસઇ સેન્સેક્સ 170 પોઇન્ટ વધીને 72240 અને નિફ્ટી 47 પોઇન્ટ ઘટીને 21731 બંધ થયો હતો. આ સાથે 2023ના વર્ષમાં સેન્સેક્સમાં 18 ટકા અને નિફ્ટીમાં 20 ટકા રિટર્ન મળ્યું છે. નોંધનિય છે કે, વર્ષ 2022ના છેલ્લા ટ્રેડિંગ સેશનના દિવસે સેન્સેક્સ 60840 અને નિફ્ટી-50 ઇન્ડેક્સ 18105 બંધ થયા હતા.

મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોકમાં રોકાણકારોને જંગી કમાણી (Midcap And Smallcap Return In 2023
બેન્ચમાર્ક સેન્સેક્સ – નિફ્ટીની તુલનાએ મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સે રોકાણકારોને બમણું રિટર્ન આપ્યું છે. કેલેન્ડર વર્ષના છેલ્લા ટ્રેડિંગ સેશનના દિવસે મિડકેપ ઇન્ડેક્સ 36839 અને સ્મોલેકપ ઇન્ડેક્સ 42673 બંધ થયા હતા. આ સાથે વર્ષ 2023માં મિડેકપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં અનુક્રમે 43 ટકા અને 46 ટકાનો ઉછાળો નોંધાયો છે. જે વર્ષ 2017 પછી સૌથી વધુ વાર્ષિક ઉછાળો છે.
સેક્ટોરિયલ ઇન્ડાઇસિસની વાત કરીયે તો 2023માં તમામ સેક્ટર ઇન્ડેક્સ વધ્યા છે, જેમાં બેન્ક નિફ્ટી 12 ટકા વધ્યો અને નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સમાં અધધધ… 80 ટકાનો ઉછાળો નોંધાયો છે. નિફ્ટી ઓટો 46 ટકા, નિફ્ટી આઈટી 24.7 ટકા, નિફ્ટી મેટલ 18 ટકા, નિફ્ટી ફાર્મા 34 અને નિફ્ટી પીએસયુ બેન્ક 33 ટકા વધ્યા છે.

સતત 8માં વર્ષે સેન્સેક્સ – નિફ્ટીમાં પોઝિટિવ રિટર્ન
ભારતીય શેરબજારમાં સતત આઠમાં વર્ષે પોઝિટિવ રિટર્ન મળ્યું છે. વર્ષ 2017થી સેન્સેક્સ – નિફ્ટી સતત વધી રહ્યા છે અને રોકાણકારોને જંગી કમાણી થઇ રહી છે. ચાલો છેલ્લા આઠ વર્ષના નિફ્ટીના રિટર્ન એક નજર કરીયે
| વર્ષ | નિફ્ટી | વાર્ષિક રિટર્ન |
|---|---|---|
| 2023 | 21731 | 20.6 ટકા |
| 2022 | 18105 | 4.33 ટકા |
| 2021 | 17354 | 24.32 ટકા |
| 2020 | 13981 | 14.90 ટકા |
| 2019 | 12168 | 12.02 ટકા |
| 2018 | 10862 | 3.15 ટકા |
| 2017 | 10530 | 28.65 ટકા |
શેરબજારના રોકાણકારોની 82 લાખ કરોડ રૂપિયાની કમાણી (BSE Marketcap rise In Year 2023)
સેન્સેક્સ – નિફ્ટીની ઐતિહાસિક તેજીથી શેરબજારના રોકાણકારોને જંગી કમાણી થઇ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ વેલ્યૂએશન 364.28 લાખ કરોડ રૂપિયા થઇ છે. જ્યારે વર્ષ 2022ના છેલ્લા દિવસે બીએસઇની માર્કેટકેપ 282.38 લાખ કરોડ રૂપિયા હતી. આમ 2023ના વર્ષમાં ભારતીય શેરબજારના રોકાણકારોને 81.9 લાખ કરોડ રૂપિયાની કમાણી થઇ છે.