Redmi Turbo 4 Launched : રેડમીએ ગુરુવારે (2 જાન્યુઆરી 2025) ચીનમાં પોતાનો નવો સ્માર્ટફોન Redmi Turbo 4 લોન્ચ કર્યો હતો. કંપનીનું કહેવું છે કે મીડિયાટેક ડિમેન્સિટી 8400-અલ્ટ્રા ચિપસેટ સાથે આવનારો આ પહેલો સ્માર્ટફોન છે. રેડમી ટર્બો 4 ફોનમાં 6550mAhની મોટી બેટરી, 50MPનો ડ્યુઅલ રિયર કેમેરા અને એન્ડ્રોઇડ 15 બેસ્ડ શાઓમીના હાઇપરઓએસ 2.0 ઓએસ આપવામાં આવ્યું છે. તમને નવા રેડમી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિસ્તારથી જણાવીએ.
રેડમી ટર્બો 4 કિંમત
રેડમી ટર્બો 4 સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,999 યુઆન (લગભગ 23,500 રૂપિયા) છે. જ્યારે 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 2,199 યુઆન (લગભગ 25,800 રૂપિયા) માં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,299 યુઆન (લગભગ 27,000 રૂપિયા) અને 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,499 યુઆન (લગભગ 29,400 રૂપિયા) છે.
રેડમીના આ ફોનને ચીનમાં શાઓમીના ઓનલાઇન સ્ટોર પરથી ખરીદી શકાય છે. આ ફોનને લકી ક્લાઉડ વ્હાઇટ, શેડો બ્લેક અને શૈલો સી બ્લૂ કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
રેડમી ટર્બો 4 ફિચર્સ
રેડમી ટર્બો 4માં 6.67 ઇંચની 1.5K (1,220 x 2,712 પિક્સલ) OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. ઇન્સ્ટન્ટ ટચ સેમ્પલિંગ રેટ 2560 હર્ટ્ઝ સુધીનો છે અને પીક બ્રાઇટનેસ લેવલ 3200 નિટ્સ સુધી છે. ડિવાઇસમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસા 7આઈ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ડિસ્પ્લે HDR10+ અને ડોલ્બી વિઝનને સપોર્ટ કરે છે.
Redmi Turbo 4 હેન્ડસેટમાં 4nm ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 8400-અલ્ટ્રા ચિપસેટ છે. આ ડિવાઇસમાં માલી-જી720 એમસી6 જીપીયુ છે. આ સ્માર્ટફોનમાં 16 જીબી સુધીની રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. હેન્ડસેટ એન્ડ્રોઇડ 15 આધારિત હાયપરઓએસ 2.0 સાથે આવે છે. રેડમી ટર્બો 4 ને પાવર આપવા માટે 6550mAhની વિશાળ બેટરી છે જે 90ડબ્લ્યુ વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનમાં સુરક્ષા માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો – આવી રહ્યો છે એપલનો સસ્તો સ્માર્ટફોન, લીક થઇ આઈફોન એસઈની કિંમત
કેમેરા ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો રેડમી ટર્બો 4માં 50 એમપી સોની એલવાયટી-600 પ્રાઇમરી રિયર સેન્સર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલનું અલ્ટ્રાવાઇડ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે હેન્ડસેટમાં 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
આ રેડમી હેન્ડસેટમાં સ્ટિરિયો સ્પીકર્સ અને IP66+IP68+IP69 રેટિંગ આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે, હેન્ડસેટમાં 5જી, ડ્યુઅલ 4જી VoLTE, વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 6.0, જીપીએ, ગ્લોનાસ, એનએફસી અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ડિવાઇસ 160.95x 74.24 x 8.06 એમએમ અને વજન 203.5 ગ્રામ છે.