આરબીઆઈ રેપો રેટ 2024 : ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ સતત છઠ્ઠી વખત પોલિસી રેપો રેટને 6.5 ટકા પર જાળવી રાખ્યો છે. દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષાની જાહેરાત કરતા, RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા વચ્ચે, દેશની અર્થવ્યવસ્થા મજબૂતી બતાવી રહી છે, એક તરફ આર્થિક વિકાસ વધી રહ્યો છે, તો બીજી તરફ મોંઘવારી ઘટી છે.
આરબીઆઈ રેપોરેટ 2024 યથાવત
મોનેટરી પોલિસી કમિટી (MPC) એ ફુગાવાને અંકુશમાં રાખવા અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે ઉદાર વલણમાંથી ખસી જવાનું વલણ જાળવી રાખ્યું છે. વૃદ્ધિની ગતિ ઝડપી છે અને મોટાભાગના વિશ્લેષકોના અંદાજ કરતાં વધી રહી છે. આ ઉપરાંત, MSF (માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ) અને બેંક રેટ 6.75 ટકા પર યથાવત રાખવામાં આવ્યા છે.
આર્થિક પ્રવૃત્તિની ગતિ 2024-25માં પણ ચાલુ રહેવાની અપેક્ષા
RBI ગવર્નર દાસે કહ્યું, ‘ખાદ્યપદાર્થોની કિંમતોમાં અનિશ્ચિતતા કોર ફુગાવાને અસર કરે છે. 2024 માં વૈશ્વિક વિકાસ દર સ્થિર રહેવાનો અંદાજ છે. MPC ફુગાવાને ચાર ટકાના લક્ષ્યાંક પર રાખવા માટે પ્રતિબદ્ધ છે. આર્થિક પ્રવૃત્તિની ગતિ 2024-25માં પણ ચાલુ રહેવાની અપેક્ષા છે.
રિટેલ ફુગાવો ચાલુ નાણાકીય વર્ષ માટે 5.4 ટકા, 2024-25 માટે 4.5 ટકા રહેશે
તેમણે વધુમાં કહ્યું કે, વચગાળાના બજેટ મુજબ સરકાર રાજકોષીય એકત્રીકરણના માર્ગે ચાલી રહી છે. રિઝર્વ બેંકનો અંદાજ છે કે, આગામી નાણાકીય વર્ષ 2024-25માં આર્થિક વિકાસ દર સાત ટકા રહેશે. આરબીઆઈનો અંદાજ છે કે, રિટેલ ફુગાવો ચાલુ નાણાકીય વર્ષ માટે 5.4 ટકા, 2024-25 માટે 4.5 ટકા રહેશે.
આરબીઆઈ કહે છે કે, ગ્રામીણ માંગ સતત વધી રહી છે, શહેરી વપરાશ મજબૂત છે. પોલિસી રેટ ફેરફારની સંપૂર્ણ અસર હજુ ડેટ માર્કેટ સુધી પહોંચી નથી. વધતા જતા ભૌગોલિક રાજકીય તણાવથી સપ્લાય ચેન પર અસર થઈ રહી છે અને કોમોડિટીના ભાવ, ખાસ કરીને ક્રૂડ ઓઈલ પર દબાણ આવી રહ્યું છે.
વિદેશથી રેમિટન્સના મામલામાં ભારત આગળ રહેશે
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, વિદેશથી રેમિટન્સના મામલામાં ભારત સૌથી આગળ રહેશે. નાણાકીય વર્ષ 2023-24 ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતની સેવાઓની નિકાસ મજબૂત રહી હતી. ભારતનું વિદેશી વિનિમય અનામત $622.5 બિલિયન છે; તમામ વિદેશી પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે પર્યાપ્ત છે.
નાણાકીય વર્ષ 2023-24માં ભારતીય રૂપિયામાં સૌથી ઓછી વોલેટિલિટી જોવા મળી હતી. વિનિમય દર તદ્દન સ્થિર રહ્યો છે. ભારતીય અર્થતંત્ર મજબૂત, સતત વિકાસના માર્ગ પર વિશ્વાસપૂર્વક પ્રગતિ કરી રહ્યું છે.