RBI Bulk Deposit Limit Hike: આરબીઆઈ દ્વારા ધિરાણનીતિ જાહેર કરવામાં આવી છે. મોનેટરી પોલિસીની ઘોષણા કરતા રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, બલ્ક ડિપોઝિટની મર્યાદા વધારવામાં આવી છે. 5 વર્ષ બાદ બલ્ક ડિપોઝિટની વ્યાખ્યામાં સંશોધન કરવામાં આવ્યું છે. બલ્ક ડિપોઝિટ 50 ટકા વધારવામાં આવી છે. બલ્ક ડિપોઝિટ લિમિટ વધતા એફડી થાપણદારોને ફાયદો થશે.
બલ્ક ડિપોઝિટ કોને કહેવાય છે? (What is RBI Bulk Deposit)
બલ્ક ડિપોઝિટ એટલે બેંકમાં એક વખતમાં જમા કરવામાં આવતી રકમ છે. બલ્ક ડિપોઝિટ લિમિટ, એ લિમિટ છે જેનાથી વધારે રકમ એક સાથે બેંકમાં જમા કરી શકાતી નથી. બલ્ક ડિપોઝિટ લિમિટ વધારવાનો ઉદ્દેશ્ય બેન્કિંગ સેક્ટરમાં મોટા પ્રમાણમાં થાપણોને આકર્ષવાનો છે.
બલ્ક ડિપોઝિટ લિમિટ વધી (RBI Hike Bulk Deposit Limit)
આજે જાહેર કરવામાં આવેલી ધિરાણનીતિમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, બલ્ક ડિપોઝિટ ની વ્યાખ્યામાં સંશોધન કરવાનો પ્રસ્તાવ મૂકાયો છે. તેની અસર સામાન્ય બેંકો અને સ્મોલ ફાઇનાન્સ બેંક બંને પર થશે. જો કે ક્ષેત્રીય ગ્રામિણ બેંકોને તેમાંથી બાકાર રાખવામાં આવી છે.

આરબીઆઈ ગવર્નરે ઉમેર્યુ કે, નવા પ્રસ્તાવ અનુસાર 3 કરોડથી વધુને થાપણને બલ્ક ડિપોઝિટ ગણવાની ભલામણ છે. હાલ બેંકમાં એક સાથે 2 કરોડ રૂપિયા સુધીની થાપણ જમા કરવામાં આવે તો તેને બલ્ક ડિપોઝિટ ગણવામાં આવે છે. રિઝર્વ બેંકના પ્રસ્તાવને નાણાં મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ બલ્ક ડિપોઝિટની લિમિટ 2 કરોડથી વધારી 3 કરોડ રૂપિયા કરવામાં આવશે. બેંકોના ભંડોળ એક્ત્ર કરવાની કામગીરીમાં સરળતા રહે તે હેતુસર આ પગલાં લેવામાં આવ્યા છે.
આરબીઆઈ એ ઉમેર્યુ કે, બેંકોને તેમની આવશ્યકતા અને એસેટ લાયબિલિટી મેનેજમેન્ટ અંદાજ અનુસાર ફિક્સ્ડ ડિપોઝિટ પર અલગ અલગ વ્યાજદર રાખવાનો વિવેકાધિકાર છે. આ પગલું બેન્કિંગ રેગ્યુલેશનની ઉભરતી બજાર સ્થિતિઓને સાનુકુળ બનાવવાના પ્રયાસોના ભાગ સ્વરૂપે લેવામાં આવ્યું છે.
આ પણ વાંચો | ફાસ્ટેગ અને NCMC પેમેન્ટ વધુ સરળ બનશે, વોલેટમાં ઓટોમેટિક પૈસા જમા થશે, જાણો આરબીઆઈનો માસ્ટર પ્લાન
બલ્ક ડિપોઝિટ લિમિટ 5 વર્ષ બાદ વધી
તમને જણાવી દઇયે કે, બલ્ક ડિપોઝિટ લિમિટ 5 વર્ષ બાદ વધારવામાં આવી રહી છે. છેલ્લે ફેબ્રુઆરી 2019માં બલ્ક ડિપોઝિટ લિમિટ 1 કરોડથી વધારી 2 કરોડ કરવામાં આવી હતી. તે અગાઉ ફેબ્રુઆરી 2013માં બલ્ક ડિપોઝિટ લિમિટની સમીક્ષા કરવામાં આવી હતી, તે સમયે 1 કરોડ રૂપિયા અને તેનાથી વધુ રકમને બલ્ક ડિપોઝિટ કેટેગરીમાં રાખવામાં આવી હતી.