ભારતીય રિઝર્વ બેંક (RBI) એ લાઇટ વેઇટ પેમેન્ટ અને સોલ્યુશન સિસ્ટમની કલ્પના કરી છે, જેને તે ડિજિટલ પેમેન્ટની સમકક્ષ “બંકર” તરીકે ઓળખાવે છે, જે કુદરતી આફતો અથવા યુદ્ધ જેવી આકસ્મિક પરિસ્થિતિઓમાં ઓછામાં ઓછા સ્ટાફ દ્વારા ગમે ત્યાંથી સંચાલિત થઈ શકે છે.
આ સિસ્ટમ માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર એ ટેકનોલોજીથી સ્વતંત્ર હશે જે હાલની પેમેન્ટ સિસ્ટમ જેમ કે UPI, NEFT અને RTGS પર આધારિત છે.
મધ્યસ્થ બેંકે હજુ સુધી આ પેમેન્ટ સિસ્ટમ ક્યારે લોન્ચ કરવામાં આવશે તેના વિશે કોઇ માહિતી આપી નથી.
આવી લાઇટવેઇટ પેમેન્ટ સિસ્ટમની શું જરૂર છે?
30 મે, 2023 મંગળવારના રોજ વર્ષ 2022-23ના વાર્ષિક અહેવાલમાં RBIએ જણાવ્યું કે, લાઇટવેઇટ અને પોર્ટેબલ પેમેન્ટ સિસ્ટમ ઓછામાં ઓછા હાર્ડવેર અને સૉફ્ટવેર પર કાર્ય કરે તેવી અપેક્ષા છે અને તેને ફક્ત “જરૂરિયાતના આધારે” સક્રિય કરવામાં આવશે.

“આવી લાઇટ અને પોર્ટેબલ પેમેન્ટ સિસ્ટમ દેશમાં પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમના શૂન્ય ડાઉનટાઇમની નજીકની ખાતરી કરી શકે છે અને બલ્ક પેમેન્ટ્સ, ઇન્ટરબેંક પેમેન્ટ્સ અને સહભાગી સંસ્થાઓને રોકડની જોગવાઈઓ જેવી આવશ્યક ચુકવણી સેવાઓની અવિરત કામગીરીને સરળ બનાવીને અર્થતંત્રની લિક્વિડિટી પાઇપલાઇનને જીવંત અને અડીખમ રાખી શકે છે.
સરકાર અને બજાર સંબંધિત વ્યવહારો સહિત અર્થતંત્રની સ્થિરતાની ખાતરી કરવા માટે મહત્વપૂર્ણ ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા કરવાની સિસ્ટમ પાસે અપેક્ષા છે.
RBI એ જણાવ્યું કે, “આવી સ્થિતિસ્થાપક સિસ્ટમથી પેમેન્ટની પ્રોસેસમાં બંકર સમકક્ષ તરીકે કામ કરવાની પણ સંભાવના છે અને ત્યાંથી આત્યંતિક પરિસ્થિતિઓમાં પણ ડિજિટલ પેમેન્ટ અને નાણાકીય બજારના માળખામાં લોકોનો વિશ્વાસ વધારશે.”
લાઇટ પેમેન્ટ સિસ્ટમ કેવી રીતે UPIથી અલગ હશે?
રિઝર્વ બેંકે કહ્યું કે, દેશમાં વ્યક્તિઓ તેમજ સંસ્થાઓ દ્વારા ઉપયોગ કરવા માટે ઘણી પેમેન્ટ સિસ્ટમ્સ ઉપલબ્ધ છે, જેમાંથી દરેકની પોતાની ખાસિયતો અને એપ્લિકેશન છે.
RBI અનુસાર, RTGS, NEFT અને UPI જેવી હાલની પરંપરાગત પેમેન્ટ સિસ્ટમ્સ સતત ઉપલબ્ધતાની ખાતરી કરતી વખતે મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન હાથ ધરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. પરિણામે, તેઓ એડવાન્સ્ડ આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સમર્થિત જટિલ વાયર્ડ નેટવર્ક્સ પર નિર્ભર છે.
“જો કે, કુદરતી આફતો અને યુદ્ધ જેવી આપત્તિજનક ઘટનાઓ અંતર્ગત માહિતી અને કોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિક્ષેપિત કરીને આ પેમેન્ટ સિસ્ટમને અસ્થાયી રૂપે અનુપલબ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે,” રિઝર્વ બેંકે વધુમાં જણાવ્યું કે, આવી મુશ્કેલીભરી અને અસ્થિર પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું સમજદારીભર્યું છે.”
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીંં વાંચી શકો છો.