PPF vs NPS vs SSY Minimum Deposit Money : દેશમાં ઘણી સરકારી યોજનાઓ છે જેમાં આપણે ટેક્સ બચાવવા માટે રોકાણ કરીએ છીએ. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) અને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) એવી બચત યોજનાઓ છે જેમાં દરેક નાણાકીય વર્ષમાં ન્યૂનતમ રકમ જમા કરાવવી જરૂરી છે. જો લઘુત્તમ રકમ જમા કરવામાં ન આવે તો આ ખાતાઓ નિષ્ક્રિય થઈ શકે છે. જો તમે પ્રત્યેક નાણાકીય વર્ષમાં પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ યોજના અને નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ)માં આવશ્યક લઘુત્તમ રકમ જમા કરાવતા નથી, તો તમારે દંડ પણ ચૂકવવો પડી શકે છે.
જો તમે 31 માર્ચ, 2024 સુધીમાં આવી બચત યોજનામાં મિનિમમ ડિપોઝિટ જમા કરાવી નથી, તો જલ્દી જમા કરાવી દેજો. તમને જણાવી દઈએ કે PPF, SSY અને NPS જેવી નાની બચત યોજનાઓ તમને ઇન્કમ ટેક્સ બચાવવામાં મદદ કરે છે. જો તમે જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ ટેક્સ ચૂકવો છો તો આ યોજનાઓ ખૂબ જ ઉપયોગી છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે આ યોજનાઓમાં દર વર્ષે ઓછામાં ઓછી કેટલી રકમ જમા કરવી જરૂરી છે જેથી કરીને ખાતું સક્રિય રહે અને તમારે દંડ ન ભરવો પડે.

સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana / SSY)
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) એવી બીજી યોજના છે જેમાં રોકાણ કરવાથી ટેક્સ બચાવવામાં મદદ મળે છે. તમને જણાવી દઈએ કે આ બચત યોજના ખાસ કરીને બાળકીઓ એટલે કે દીકરીઓની ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. આ બચત યોજનામાં, ખાતાધારકે પ્રત્યેક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવા જરૂર છે.
જો તમે નાણાકીય વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતામાં ઓછામાં ઓછા 250 રૂપિયા જમા નહીં કરાવો તો ખાતું ડિફોલ્ટ થઈ જશે. જો કે, આ સ્કીમમાં એક ખાસ વાત એ છે કે આ એકાઉન્ટ મેચ્યોરિટી પહેલા ગમે ત્યારે રીએક્ટિવેટ થઈ શકે છે. એકાઉન્ટને ફરીથી સક્રિય કરવા માટે, દરેક ડિફોલ્ટ વર્ષ માટે 50 રૂપિયાની ડિફોલ્ટ ફી ચૂકવવી પડશે. વધુમાં, તમારી પાસેથી પ્રત્યેક ડિફોલ્ટ વર્ષ માટે 250 રૂપિયા મિનિમમ ચાર્જ વસૂલવામાં આવશે.

જો ડિફોલ્ટ થયેલ SSY એકાઉન્ટ રિએક્ટિવેટ કરવામાં ન આવે તો ખાતામાં જમા પૈસા પાકતી મુદત પર જ ચૂકવવાના રહેશે. SSY એકાઉન્ટ ખાતું ખોલવાની તારીખથી 21 વર્ષ પછી મેચ્યોર થાય છે. અથવા દીકરી 18 વર્ષની થઈ જાય પછી લગ્ન સમયે આ ખાતામાંથી બધા પૈસા ઉપાડી શકાય છે.
પ્રબ્લિક પ્રોવિડન્ટ ફંડ (Public Provident Fund (PPF)
પીપીએફ રૂલ્સ અનુસાર, પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં પ્રત્યેક નાણાંકીય વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરવા જરૂરી છે. જો તમે આ મિનિમમ ડિપોઝિટ જમા નહીં કરો તો તમારું એકાઉન્ટ અનએક્ટિવ થઇ જશે.
અમે તમને જણાવી દઈએ કે જો ખાતું નિષ્ક્રિય છે, તો તમે લોન અને ઉપાડ જેવા લાભો મેળવી શકતા નથી. નોંધનિય છે કે, સામાન્ય રીતે આ સુવિધાઓ ખાતું ખોલવાના ત્રીજા અને છઠ્ઠા વર્ષથી મળવાનું શરૂ થાય છે.
પાકતી મુદત પહેલા નિષ્ક્રિય થઈ ગયેલા પીપીએફ ખાતાને ફરીથી સક્રિય કરવા માટે, ખાતાધારકે દરેક ડિફોલ્ટ વર્ષ માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડે છે. આ ઉપરાંત, તેઓએ પ્રત્યેક વર્ષે PPF ખાતામાં ઓછામાં ઓછા 500 રૂપિયા પણ જમા કરાવવા પડશે. એટલે કે, પીપીએફ એકાઉન્ટને ફરીથી સક્રિય કરવા માટે, ખાતાધારકે દરેક ડિફોલ્ટ વર્ષ માટે 550 રૂપિયા ચૂકવવા પડશે.

તમને જણાવી દઈએ કે પીપીએફ એકાઉન્ટ ખુલવાની તારીખથી 16 વર્ષ પછી પરિપક્વ થાય છે. પરંતુ અમુક સંજોગોમાં સમય પહેલા પૈસા ઉપાડી શકાય છે. જો પીપીએફ એકાઉન્ટ બંધ હોય, તો પાકતી મુદત પર જ ભંડોળ ઉપાડી શકાય છે. અને પાકતી મુદત પર, તેને પાંચ વર્ષના બ્લોકમાં લંબાવી શકાશે નહીં.
નેશનલ પેન્શન સિસ્ટમ (National Pension System (NPS)
નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં ઘણા લોકો કર લાભ માટે રોકાણ કરે છે. આવકવેરા કાયદાની કલમ 80CCD(1B) હેઠળ, 50,000 રૂપિયા સુધીના રોકાણ પર કર મુક્તિ મેળવી શકાય છે. તમને જણાવી દઈએ કે આ છૂટ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ ઉપલબ્ધ 1.5 લાખ રૂપિયાની છૂટ ઉપરાંત છે. એનપીએસના નિયમો હેઠળ, કોઈપણ ખાતાધારકે દરેક નાણાકીય વર્ષમાં તેના ખાતામાં ઓછામાં ઓછી 1000 રૂપિયા જમા કરાવવા જરૂર છે.
જો એનપીએસ એકાઉન્ટમાં કોઈ મિનિમમ ડિપોઝિટ ન હોય, તો આ એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય છે. જો કે, એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હોય તો પણ NPS ટ્રસ્ટ દ્વારા કોઈ પેનલ્ટી ચાર્જ વસૂલવામાં આવતો નથી. પરંતુ અમુક કિસ્સામાં દંડ ભરવો પડે છે.
આ પણ વાંચો | ઓછા ખર્ચે મેળવો ખર્ચાળ કેન્સરની સારવાર, જાણો એલઆઈસી કેન્સર કવર પ્લાનના ફાયદા
ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80CCD(2) હેઠળ, કર્મચારી દ્વારા જમા કરાયેલા નાણાં કર્મચારીના NPS ટિયર-1 એકાઉન્ટમ હાજર ગ્રોસ ટોટલ ઇન્કમ માંથી કર્મચારી દ્વારા જમા કરાયેલા પૈસા ઉપાડી શકાય છે. પગારના વધુમાં વધુ 10 ટકાનો દાવો કરી શકાય છે. જ્યારે સરકારી કર્મચારીઓ માટે આ મર્યાદા 14 ટકા છે. આ ઉપાડ જૂની અને નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ કરી શકાય છે.