Personal Financial Planning Tips: રોકાણ કે નાણાકીય આયોજન કરતી વખતે મોંઘવારી દર પણ ધ્યાનમાં રાખવો જોઇએ. ફુગાવો એટલે કે ઇન્ફ્લેશન તમારા રોકાણ અને બચતને ઉંડી રીતે પ્રભાવિત કરે છે. તમે નાણાકીય લક્ષ્યાંક બનાવીને રોકાણ કરો છો તો મોંઘવારીનું ધ્યાન રાખો છો? શું તમે વિચાર્યું છે કે આજથી 20 વર્ષ પછી અથવા 25 વર્ષ પછી, તમે જે ભંડોળ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે તેના પર ફુગાવાની શું અસર થશે?
ઘણા લોકો પાસે આ પ્રશ્નનો જવાબ ના હશે. જો તમે મોંઘવારીને ધ્યાનમાં રાખ્યા વગર રોકાણ કરશો તો તમે તમારા લક્ષ્યથી ભટકી શકો છો. કારણ કે જો વર્તમાન મોંઘવારી દરને ધ્યાનમાં રાખીને ભવિષ્યના ખર્ચની ગણતરી કરવામાં આવે તો આજે જે કામ પર 1 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે તે કામ 20 વર્ષ બાદ 2.5 ગણો ખર્ચ કરવો પડશે.
એમ કહી શકાય કે આજથી 20 વર્ષ પછી આજની સરખામણીએ નાણાંની કિંમત 40 ટકા રહી જશે. તેથી નાણાંકીય આયોજનમાં મોંઘવારી ધ્યાનમાં રાખવાનું ચૂકશો નહીં. ફુગાવાને સમાયોજિત કર્યા પછી, વાસ્તવિક લક્ષ્યો નક્કી કરો અને તે મુજબ વધુ સારી યોજના પસંદ કરો અને તેમાં રોકાણ કરો. તમે ફુગાવાના હિસાબે તમારી ભવિષ્યના ખર્ચનો સચોટ અંદાજ મેળવી શકો છો.

ભવિષ્યના ખર્ચની ગણતરીની ફોર્મ્યુલા
ભવિષ્યનું મૂલ્ય (FV) = વર્તમાન મૂલ્ય (PV) (1+r/100)^n
અહીં R નો અર્થ થાય છે વાર્ષિક ફુગાવાનો દર
તો N નો અર્થ એ છે કે તમે કેટલા વર્ષો માટે લક્ષ્ય રાખ્યું છે
વર્તમાન મૂલ્ય અને ભવિષ્યનું મૂલ્ય
વર્તમાન સમયની વાત કરીએ તો ફેબ્રુઆરી 2024માં મોંઘવારી દર 5.09 ટકાની આસપાસ રહ્યો છે. જો કે છેલ્લા 12 મહિનાનો સરેરાશ દર જોઇએ તો તે 5.1 ટકાથી વધુ છે. એટલે કે મોંઘવારી દરમાં દર વર્ષે 5.1 ટકાનો વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આપણે 5.1 ટકાના દરની ધારણા કરીને જ ગણતરી કરી રહ્યા છીએ.
કોઈ પણ કામ પર આજનો ખર્ચઃ 1 લાખ રૂપિયા
મોંઘવારી દરઃ 5.1 ટકા
20 વર્ષ પછી તે કામ પાછળ ખર્ચ: 270430 રૂપિયા (2.70 લાખ રૂપિયા)
25 વર્ષ પછી તે કામ પાછળ ખર્ચ: 346791 રૂપિયા (3.45 લાખ રૂપિયા)
30 વર્ષ પછી તે કામ પાછળ ખર્ચ: 444715 રૂપિયા (4.45 લાખ રૂપિયા)
અહીં સ્પષ્ટ છે કે આજે જે કામ પાછળ 1 લાખ રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે, તેના માટે 20 વર્ષ બાદ 2.70 લાખ રૂપિયા, 25 વર્ષ બાદ 3.45 લાખ રૂપિયા અને 30 વર્ષ બાદ 4.45 લાખ રૂપિયાની જરૂર પડશે. તે પણ સમજી શકાય છે કે આજે તમારા ઘરનો ખર્ચ 1 લાખ રૂપિયામાં ચાલી રહ્યો છે, તો 20 વર્ષ પછી ઘરને યોગ્ય રીતે ચલાવવા માટે 2.70 લાખ રૂપિયાની જરૂર પડશે.

ભવિષ્યમાં રોકાણનું મૂલ્ય શું હશે?
ધારો કે તમારા રોકાણ નું લક્ષ્ય 20 વર્ષ છે. 20 વર્ષ બાદ તમે રૂપિયા 1 કરોડનું નાણાકીય ભંડોળ ઉભું કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો. આ માટે તમે એસઆઈપી દ્વારા માસિક 10 હજાર રૂપિયાનું રોકાણ કરવા માટે તૈયાર છો. જો તમે આગામી 20 વર્ષ માટે 12 ટકા વળતરનો અંદાજ લગાવ્યો છે, તો તમે તેની ગણતરી 2 રીતે કરી શકો છો.
આ પણ વાંચો | શેરબજાર : ડિવિડન્ડ સ્ટોકમાં રોકાણ પહેલા આ 6 બાબત ધ્યાનમાં રાખો, ક્યારે નુકસાન નહીં થાય
મોંઘવારીને એડજસ્ટ કર્યા વગર જો તમે ગણતરી કરો છો તો વાર્ષિક 12 ટકાના દરે માસિક 10,000 રૂપિયાની એસઆઈપીનું મૂલ્ય 20 વર્ષ પછી 1 કરોડ રૂપિયા થશે. પરંતુ જો તમે મોંઘવારીને એડજસ્ટ કરીને તેની ગણતરી કરશો તો આ વેલ્યૂ માત્ર 46 લાખ રૂપિયા જ થશે. એટલે કે જો તમે 20 વર્ષ પછી પણ આજના મૂલ્ય પ્રમાણે 1 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે તો તમે તમારા લક્ષ્યથી 50 ટકા પાછળ રહી જશો.