Online Gaming Bill 2025 Key Points : ઓનલાઇન ગેમિંગ બિલ 2025 લોકસભામાં મંજૂર થઇ ગયું છે. ઓનલાઇ ગેમિંગ પ્રોમોશન અને રેગ્યુલેટરી બિલ 2025 હેઠળ સટ્ટાકીય ઓનલાઇન ગેમ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની જોગવાઇ છે. નવા કાયદાથી ટુંક સમયમાં ઓનલાઇન ફેન્ટેલી સ્પોર્ટ્સ થી લઇ પોકર, રમી અને કાર્ડ ગેમ્સ જેવી સટ્ટાબાજીની ઓનલાઇન ગેમ પર સકંજો કસવામાં આવશે. આ બિલ અંતર્ગત ઓનલાઇન ગેમિંગ રેગ્યુલેટરી ઓથોરિટીની રચના થવાની સાથે જ ઇ સ્પોર્ટની માન્યતા અને પ્રોમોશનની જોગવાઇ પણ સામેલ છે. ભારતમાં ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝ બહું મોટી. ચાલો જાણીયે ભારતમાં કેટલા લોકો ઓનલાઇન ગેમ રમે છે, ઓનલાઇન ગેમ કરવા કેટલા રૂપિયા ખર્ચે છે?
ઓનલાઇન ગેમિંગ બિલ 2025નો હેતુ શું છે?
સરકારનું કહેવું છે કે, ઓનલાઇન ગેમિંગ બિલ 2025 લાવવાનો હેતુ હાનિકારક ઓનલાઇન મની ગેમિંગ સર્વિસિસ, તેની જાહેરાત અને ગેરકાયદેસર નાણાકીય લેવડદેવડ પર પ્રતબિંધ મૂકવાનો છે. સરકારનું માનવું છે કે, ઓનલાઇન ગેમિંગ અને બેટિંગની આદાત ધરાવતા લોકો ન માત્ર નાણાકીય રીતે પાયમાલ થાય છે, પરંતુ તેની માનસિક સ્થિતિ પર ગંભીર આડઅસર જોવા મળે છે.
ભારતમા કેટલા લોકો ઓનલાઇન ગેમ રહે છે? તેની માટે કેટલા રૂપિયા ખર્ચે છે?
ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં જણાવ્યું છે, FICCI અને EYના અહેવાલ મુજબ વર્ષ 2024માં 115 મિલિયનથી વધુ ભારતીયો રિયલ મની ગેમ કરતા હતા, જેમા ફેન્ટસી સ્પોર્ટ્સ, રમી, પોકર અને અન્ય ટ્રાન્ઝેક્શન આધારિત ઓનલાઇન ગેમ સામેલ છે, આ આંકડો વર્ષ 2023 કરતા 10 ટકાનો વધારો દર્શાવે છે. સરેરાશ, દરરોજ લગભગ 110 મિલિયન લોકો આવી ઓનલાઇન ગેમ્સ રમે છે.
ઈન્ડિયન એક્સપ્રેસના અન્ય એક રિપોર્ટમાં મુજબ, દેશના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને જણાવ્યું હતું કે, ઓનલાઈન ગેમ્સ પાછળ ભારતીયોનો ખર્ચ “કંઇ ઓછો નથી”. આંકડા મુજબ વર્ષ 2025-26ના પ્રથમ ચાર મહિનામાં ડિજિટલ ગેમ્સ માટે સરેરાશ રૂ. 10,000 કરોડથી વધુ UPI પેમેન્ટ થયા છે. આ આંકડો નાનો નથી. દર મહિને સરેરાશ રૂ. 10,000 કરોડ ખર્ચ કરે છે, આ ધોરણે ભારતીયો વાર્ષિક 1.2 લાખ કરોડ રૂપિયા ઓનલાઇન ગેમ રમવા માટે ખર્ચ કરે છે.
NPCI ડેટા મુજબ, એપ્રિલ-જુલાઈમાં ડિજિટલ ગેમ્સ માટે UPI પેમેન્ટ રૂ. 40,992 કરોડ થઈ હતી, જે દવાની દુકાનો અને ફાર્મસીને UPI દ્વારા ખર્ચવામાં આવેલી રકમ જેટલી જ છે. ઓનલાઈન ગેમ્સ માટે આ પેમેન્ટ ચાર મહિનાના સમયગાળા દરમિયાન રૂ. 27.77 લાખ કરોડના તમામ વ્યક્તિ થી વેપારી UPI પેમેન્ટના 1.5 ટકા બરાબર છે. વોલ્યુમની દ્રષ્ટિએ એપ્રિલ-જુલાઈ દરમિયાન તમામ UPI ટ્રાન્ઝેક્શનના 3.4 ટકા બરાબર છે.
તો NBTના એક રિપોર્ટમાં જણાવાયું છે કે, સરકારનો અંદાજ છે કે, દર વર્ષે લગભગ 45 કરોડ લોકો ઓનલાઇન રિયલ મની ગેમિંગમાં 20000 કરોડ રૂપિયા ગુમાવે છે. સરકારનું માનવું છે કે, ઓનલાઇન રિયલ મની ગેમિંગ સમાજ માટે એક ગંભીર સમસ્યા બની રહી છે. ઓનલાઇન મની ગેમ્સના પગલે ઓનલાઇન છેતરપીંડિ અને ફ્રોડની ઘટનાઓ વધી ગઇ છે. ઉપરાંત ગેરકાયદેસર મની લોન્ડ્રિંગ અને ટેરર ફન્ડિંગ પર થાય છે. સરકાર સમાજ અને દેશ માટે હાનિકારક આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ લગામ મૂકવા માંગે છે.
ઓનલાઇન ગેમિંગ બિલ 2025ની મુખ્ય જોગવાઇ
- ઓનલાઇન મની ગેમિંગ સર્વિસ પ્રદાન કરનારને 3 વર્ષ સુધી જેલની સજા કે 1 કરોડ રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઇ શકે છે.
- ઓનલાઇન ગેમની જાહેરાત આપનારને 2 વર્ષની સજા, 50 લાખ રૂપિયાનો દંડ અથવા બંને સજા કરવાની જોગવાઇ છે.
- ઓનલાઇન મની ગેમ માટે પેમેન્ટ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપનારને પણ 3 વર્ષ જેલી સજા કે 1 કરોડનો દંડ કરવામાં આવશે.
- વારંવાર કાયદાનો ભંગ કરનારને કડક સજા કરવાની જોગવાઇ છે. જેમા 3 થી 5 વર્ષ જેલની સજા અને 2 કરોડ રૂપિયાનો દંડ થઇ શકે છે.
2 લાખથી વધુ નોકરી અને 400 કંપનીઓ પર સંકટ
NBTના એક રિપોર્ટ મુજબ, ઇન્ડસ્ટ્રીઝનું કહેવું છે કે, ઓનલાઇન ગેમિંગ બિલ 2025 ‘જોબ ક્રિયેટિંગ ઇન્ડસટ્રીઝ’ ને નેસ્ત નાબૂદ કરી દેશે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, તેનાથી 2 લાખથી વધુ નોકરીઓ છિનવાઇ જશે અને 400 થી વધુ કંપનીઓ બંધ થવાનું જોખમ છે.
આ પણ વાંચો | શું Dream11 જેવી ઓનલાઇન ગેમિંગ એપ્સ બંધ થશે? સરકાર લેશે આ નિર્ણય
ભારતમાં ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગનું કદ
ભારતમાં ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ ઉભરતો બિઝનેસ છે. પ્રાથમિક અંદાજ મુજબ ભારતમાં ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગનું કદ રૂ. 2 લાખ કરોડથી વધુ છે. જે 2029 સુધીમાં $9 બિલિયનનું બજાર બનવાનો અંદાજ છે. જો કે સરકારના ઓનલાઇન ગેમિંગ બિલ 2025થી આ ઉદ્યોગને મરણતોલ ફટકો પડવાનું જોખમ છે.