Meta Threads New Feature : એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એટલે કે અગાઉના ટ્વિટરની વધતી જતી લોકપ્રિયતા સાથે સ્પર્ધા કરવા માટે ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગની માલિકીની મેટા કંપનીએ એક નવું પ્લેટફોર્મ લોન્ચ કર્યુ છે, જેનું નામ છે થ્રેડ્સ (Threads). મેટાનુ આ પ્લેટફોર્મે લોન્ચ થયા બાદ થોડાક સમય સુધી ચર્ચામાં રહ્યુ હતુ અને તેના યુઝર્સમાં ખૂબ જ ઝડપથી વધારો થયો હતો પરંતુ સમયની સાથે તેની લોકપ્રિયતા ઘટી રહી છે, જેને ધ્યાનમાં રાખીને કંપનીએ તેમાં એક મોટું અપડેટ આપ્યું છે.
થ્રેડ્સની લોકપ્રિયતા અને યુઝર્સની સંખ્યા વધારવા માટે કંપની સતત કેટલાક નવા અપડેટ અથવા ફીચર રજૂ કરે છે અને આ ઘટનાક્રમમાં, મેટા હવે થ્રેડ્સમાં એક નવું ટ્રેન્ડિંગ ફીચર પ્રદાન કરવા જઈ રહ્યું છે, જે ટ્ટિટર એટલે કે Xની જેમ જ કામ કરે છે અને યુઝર્સને ટ્રેન્ડિંગ વિષયો જોવા અને તેના પર પોસ્ટ કરવામાં મદદ કરે છે.
મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટમાં આ માહિતી આપી છે. આ પોસ્ટમાં ઝકરબર્ગે લખ્યું છે કે કંપની અમેરિકામાં ડેઈલી ટ્રેન્ડિંગ વિષયોનું ટેસ્ટિંગ શરૂ કરી રહી છે અને આ ફીચર ટૂંક સમયમાં અન્ય દેશો અને ભાષાઓમાં પણ લોન્ચ કરવામાં આવશે. આ સાથે મેટ થ્રેડ્સ એલોન મસ્કના ટ્વિટરને ટક્કર આપશે
માર્ક ઝુકરબર્ગ ઉપરાંત, ઇન્સ્ટાગ્રામ હેડ એડમ મોસેરીએ ટુડેઝ ટ્રેન્ડિંગ ટોપિક્સ ફીચરના રોલઆઉટ વિશે વાત કરી હતી. ટ્રેન્ડિંગ વિષયોનું આ ફીચર્સ થ્રેડના સર્ચ પેજમાં અને યુઝર્સના સર્ચ અને રુચિને ધ્યાનમાં રાખીને ફોર યુ ફીડમાં આપવામાં આવશે. એડમ મોસેરીએ વધુમાં જણાવ્યું હતું કે નવા ટ્રેન્ડિંગ ટોપિક્સ ફીચરમાં AI સિસ્ટમ દ્વારા યુઝર્સ કોની સાથે વાતચીત કરી રહ્યા છે તે ધ્યાનમાં રાખીને ટોપિક પસંદ કરવામાં આવશે. આમાં રાજકારણના ટ્રેન્ડિંગ વિષયોને પણ સામેલ કરવામાં આવશે.
આ પણ વાંચો | એલોન મસ્કે મંગળ ગ્રહ મિશન પરથી પડદો ઉઠાવ્યો, અંતરિક્ષમાં 10 લાખ લોકોને મોકલશે
વિષયો પસંદ કરવા માટેની AI સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
મેટા તરફથી મળેલી માહિતી અનુસાર, આ નવા ફીચરમાં ટ્રેન્ડીંગ વિષયોની પસંદગી મશીન લર્નિંગ અલ્ગોરિધમ પર આધારિત હશે, જે વિવિધ પરિબળોને ધ્યાનમાં લે છે. આ ઉપરાંત, નક્કી કરેલા ટ્રેન્ડિંગ વિષય પર કેટલા યુઝર્સ રિયલ ટાઇમમાં વાત કરી રહ્યા છે અને કેટલા યુઝર્સ તે વિષય પર પોસ્ટ કરી રહ્યા છે તેના પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે.