MSP of kharif crops : સરકારે બુધવારે માર્કેટિંગ સીઝન 2023-24 માટે તમામ ખરીફ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)ની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતાં મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, ડાંગર (સામાન્ય) માટે એમએસપી 2,183 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. જે ગત સિઝનના રૂ. 2,040 પ્રતિ ક્વિન્ટલ કરતાં 7 ટકા વધુ છે. ડાંગર (A ગ્રેડ) માટે એમએસપી પ્રતિ ક્વિન્ટલ રૂ. 2,203 નક્કી કરવામાં આવી છે, જે ગયા વર્ષના રૂ. 2,060 પ્રતિ ક્વિન્ટલના આંકડા કરતાં વધુ છે.
એક સત્તાવાર નિવેદન અનુસાર, મગ માટે એમએસપી 8,558 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે, જે ગયા વર્ષના 7,755 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરતાં 803 રૂપિયા વધારે છે.
આ પણ વાંચો – Best Stocks: કંપનીઓનો નફો વધ્યો, હવે શેરથી થશે કમાણી, રોકાણ માટે પસંદ કરો આ 14 લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સરકારે માર્કેટિંગ સીઝન 2023-24 માટે ખરીફ પાકની MSP વધારી છે, “ખેડૂતોને તેમની પેદાશો માટે લાભકારી ભાવ સુનિશ્ચિત કરવા અને પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહિત કરવા સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો.”
કયા પાકના ભાવમાં કેટલો વધારો થયો?
કેબિનેટે 2023-24 માટે અડદની દાળની એમએસપી 350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારીને 6,950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી છે. તો, મકાઈના MSPમાં 128 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને ડાંગરના MSPમાં 143 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. જુવારની MSP વધારીને 3180 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. તુવેર દાળના MSPમાં પ્રતિ ક્વિન્ટલ 400 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કેબિનેટ દ્વારા મગના MSPમાં સૌથી વધુ વધારો કરવામાં આવ્યો છે અને તે વધીને 8558 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો છે. તેનાથી દેશના ખેડૂતોને ફાયદો થશે અને તેઓ નવા પાકના સારા ભાવ મેળવી શકશે.
ખેડૂતોને વાજબી ભાવ આપવા માટે પગલાં લેવાયા
2023-24 સીઝન માટે ખરીફ પાક માટે MSP માં વધારો એ કેન્દ્રીય બજેટ 2018-19 ની જાહેરાતને અનુરૂપ છે જે MSP ને અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા 1.5 ગણા સ્તરે નક્કી કરે છે. સરકારનું કહેવું છે કે, આ પગલું 2018-19ના બજેટમાં ખેડૂતો માટે કરવામાં આવેલી જાહેરાત મુજબ પૂર્ણ થઈ રહ્યું છે. ખેડૂતોને યોગ્ય મહેનતાણું આપવાની દિશામાં આ એક પગલું છે. તુવેર (58%), સોયાબીન (52%) અને અડદ (51%) પછી બાજરી (82%)ના કિસ્સામાં ખેડૂતોને તેમના ઉત્પાદન ખર્ચ પર સૌથી વધુ અપેક્ષિત માર્જિન હોવાનો અંદાજ છે. બાકીના પાકો માટે, ખેડૂતોને તેમના ઉત્પાદન ખર્ચ પરનું માર્જિન ઓછામાં ઓછું 50% હોવાનો અંદાજ છે.
MSP: ગેરંટીડ ન્યૂનતમ કિંમત
તમને જણાવી દઈએ કે, MSP દેશમાં ખેડૂતોને તેમના ઉત્પાદનના લઘુત્તમ ભાવની ખાતરી આપે છે. તે ખેડૂતો માટે પાકની સુરક્ષાની ગેરંટી સમાન છે. એવું માનવામાં આવે છે કે તેના કારણે દેશમાં સરકાર ખેડૂતોની આવક વધારવાની દિશામાં પગલાં ભરે છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે પાક વર્ષ 2023-24 (જુલાઈ-જૂન) માં ત્રણ કઠોળ, તુવેર, અડદ અને મસૂર માટે પ્રાઇસ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ 40 ટકા ખરીદીની મર્યાદા દૂર કરી છે. પ્રાઇસ સપોર્ટ સ્કીમ ત્યારે જ લાગુ થાય છે જ્યારે કૃષિ ઉત્પાદનોની કિંમત લઘુત્તમ સમર્થન કિંમત (MSP) થી નીચે આવે. સ્થાનિક ઉત્પાદન વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે.