Form 16 For ITR Filing 2025 : ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની કામગીરી શરૂ થઇ ગઇ છે. કેન્દ્ર સરકારે આકારણી વર્ષ 202-26 માટે આઈટીઆર ફોર્મ (ITR-1 થી ITR-7 સુધી) જારી કરી દીધા છે. હવે લાખો પગારદાર કરદાતા તેમને ફોર્મ 16 ક્યારે મળશે તેની રાહ જોઇ રહ્યા છે.
પગારદાર કરદાતા પાછલા વર્ષે થયેલી આવક પર આઈટીઆર ફાઇલ કરવાની તૈયારી કરી રહ્યા છે, તો તેમની પાસે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ હોવું જરૂરી છે. તે ડોક્યુમેન્ટ છે ફોર્મ 16 (Form 16). આ ફોર્મ કરદાતાને તેની કંપની કે નોકરીદાતા તરફથી મળે છે, જેમા તમારા સમગ્ર વર્ષના પગાર અને તેના કાપેલા ટેક્સની સંપૂર્ણ જાણકારી હોય છે.
What Is Form 16? ફોર્મ 16 શું છે?
ફોર્મ 16 બે ભાગમાં હોય છે – Part A અને Part B
Part A માં પગારદાર વ્યક્તિનું નામ, સરનામું, પાન કાર્ડ નંબર, કંપનીનો TAN નંબર અને દરેક ત્રિમાસિકમાં કેટલો ટેક્સ કાપ્યો અને સરકારને જમા કરાવ્યો તેની વિગત હોય છે.
Part B માં પગારદાર વ્યક્તિના સમગ્ર વર્ષનો પગાર, કર મુક્ત ભથ્થા ( જેમ કે HRA, ટ્રાવેલ), અને સેક્શન 80C, 80D જેવા કર મુક્તિ હેઠળ કરવામાં આવેલા રોકાણની જાણકારી હોય છે, જેમ કે પીપીએફ, એલઆઈસી પોલિસી, મેડિકલ ઇન્સ્યોરન્સ વગેરે.
Form 16 માં આ વર્ષે શું ફેરફાર થયા?
સરકારે ફોર્મ 16ને વધુ સરળ, સ્પષ્ટ અને ઉપયોગ બનાવ્યું છે. હવે ફોર્મ 16 જણાવશે કે, તમારા પગારની કઇ રકમ ટેક્સ ફ્રી છે, ક્યા ભથ્થા પર ટેક્સ કપાશે અને ક્યાં પર નહીં. તેની એ ફાયદો થશે કે આઈટીઆર રિટર્ન ફાઇલ કરતી વખતે તમને કરપાત્ર આવક અને કર કપાત વિશે સરળ સમજણ મળશે. તેનાથી આઈટીઆર ફાઇલ કરતી વખતે ખોટી કે અધુરી માહિતી દાખલ થવાની શક્યતા ઓછી થશે.
આ પણ વાંચો | ITR Filing 2025: નવું ITR-U ફોર્મ જારી, CBDTના આ પગલાંથી કરદાતાને શું ફાયદો થશે
Form 16 ક્યારે મળશે?
ઈન્કમ ટેક્સ નિયમ 31(3) અનુસાર કંપનીઓ તેના કર્મચારીઓને દર વર્ષે 15 જૂન સુધી ફોર્મ 16 આપી દે છે. એટલે કે આ વર્ષે પણ પગારદાર કરદાતાને 15 જૂન 2025 સુધી Form 16 મળી જશે. અલબત્ત, માત્ર Form 16 થી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકાય છે તેવું નથી. ફોર્મ 16 પગારદાર કરદાતાના પગાર, કપાયેલો ટેક્સ અને કર કપાતની જાણકારી એક જ ડોકયુમેન્ટમાં આપે છે, જેનાથી આવકવેરા દાખલ કરવું સરળ બની જાય છે.