ICICI Bank UPI Transaction Charges: યુપીઆઈ યુઝર્સ માટે ચિંતાના સમાચાર આવ્યા છે. હવે તમારે યુપીઆઈ પેમેન્ટ પર ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવવો પડશે. આઈસીઆઈસીઆઈ બેંકે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટે નવા નિયમ જાહેર કર્યા છે, જે 1 ઓગસ્ટ 2025 થી લાગુ થશે. હવે આઈસીઆઈસીઆઈ બેંક પેમેન્ટ એગ્રીગેટર્સ પાસેથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલશે. તેનાથી યુપીઆઈ પેમેન્ટ મોંઘુ થશે.
આઈસીઆઈસીઆઈ બેંક પહેલા યસ બેંક અને એક્સિસ બેંકે પણ પેમેન્ટ એગ્રીગેટર્સથી આવા ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે. અને હવે આ યાદીમાં આઈસીઆઈસીઆઈ બેંક પર જોડાઇ છે.
ICICI બેંક UPI ટ્રાન્ઝેક્શન પર કેટલો ચાર્જ વસૂલશે?
આઈસીઆઈસીઆઈ બેંક નિર્ણય લીધો છે કે, તે પેમેન્ટ એગ્રીગેટર્સ પાસેથી પ્રત્યેક યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર 2 બેસિસ પોઇન્ટ એટલે કે 0.02 ટકા ટ્રાન્ઝેક્શન ચાર્જ વસૂલશે. તેનો અર્થ એ છે કે, જો કોઇ 10000 રૂપિયાનું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરે છે, તો તેના પર 2 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે. જો કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ચાર્જની મહત્તમ મર્યાદા 6 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ રાખવામાં આવી છે.
આ યુપીઆઇ ટ્રાન્ઝેક્શન ચાર્જ એવા પેમેન્ટ એગ્રીગેટર્સ પર લાગુ કરવામાં આવ્યા છે, જેમના આઈસીઆઈસીઆઈ બેંકમાં એસ્ક્રો એકાઉન્ટ છે. જો કોઇ પેમેન્ટ એગ્રીગેટરનું આઈસીઆઈસીઆઈ બેંકમાં એસ્ક્રો એકાઉન્ટ નથી, તેમની પાસેથી 0.04 ટકા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ચાર્જ વસૂલવામાં આવશે, જેની મહત્તમ મર્યાદા 10 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન છે. એટલે કે
યસ બેંક અને એક્સિસ બેંક પહેલાથી UPI ચાર્જ વસૂલે છે
યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને પ્રોસેસ કરવામાં ટેક્નોલોજી અને ઓપરેશનલ ખર્ચ વધવાના કારણે બેંકોએ આ નિર્ણય લીધો છે. યસ બેંક અને એક્સિસ બેંક 8 – 10 મહિના પહેલા જ પેમેન્ટ એગ્રીગેટર્સ પાસેથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ચાર્જ વસૂલવાનું શરૂ કરી દીધું હતું. હવે આઈસીઆઈસીઆઈ બેંકે પણ આવો નિર્ણય લીધો છે. અમુક પેમેન્ટ એગ્રીગેટર્સ આ ખર્ચને પોતે ભોગવે છે, પરંતુ અન્ય બેંકો પણ આવી જ રીતે ટ્રાન્ઝેક્શન ચાર્જ વસૂલવા લાગશે તો આગળ જતા ચાર્જનું ભારણ મર્ચન્ટ્સ અને ગ્રાહકો સુધી પણ પહોંચી શકે છે.
હાલ તો રાહતજનક સમાચાર એ છે કે, સામાન્ય ગ્રાહકો માટે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન નિઃશુલ્ક છે, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર કોઇ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. કારણ કે, સરકાર અને આરબીઆઈ એ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) શૂન્ય રાખ્યો છે, પરંતુ ભવિષ્યમાં આ વિશે સમીક્ષા થઇ શકે છે.