ITR Filing Alert: જો તમે ડ્રીમ 11 કે રમ્મી જેવી ઓનલાઇન ગેમ્સથી પૈસા કમાઇ રહ્યા છો તો ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. આ આવક પર અલગ અલગ ટેક્સ લાગે છે. આના પર કોઈ કર રાહત મળતી નથી. આવકવેરાના કાયદા મુજબ ઓનલાઈન ગેમિંગથી થતી આવક પર તોતિંગ ઈન્કમ ટેક્સ લાગે છે. રમતના પ્રકાર અથવા ફોર્મેટ થી કોઈ ફરક પડતો નથી.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ શુક્રવારે (22 ઓગસ્ટ 2025) ઓનલાઇન ગેમિંગ બિલ પર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે 2025ના નવા આવકવેરા કાયદાને પણ મંજૂરી આપી હતી, જે આવતા વર્ષે એપ્રિલથી અમલમાં આવશે. આનાથી 1961 ના જૂના કાયદાના ઘણા ભાગોને અસર થશે, જેમાં ગેમિંગ આવક પરના વિભાગનો પણ સમાવેશ થાય છે. પરંતુ આ ફેરફારની અસર 2025 માટે રિટર્ન ફાઇલ કરનારા લોકોને નહીં થાય.
આવક, કમાણીના સ્ત્રોતની જાણ કરવી જરૂરી
ભલે તમારી કુલ આવક ટેક્સ સ્લેબમાં છુટછાટ મેળવવા પાત્ર હોય. કારણ કે ઓનલાઇન ગેમિંગની કમાણી પર બાકીની આવકથી અલગ 30 ટકા ટેક્સ લાગે છે. જો તમારી બાકીની આવક ટેક્સ થ્રેશોલ્ડથી ઓછી હોય તો પણ, ગેમિંગની આવક પર હજી પણ કર લાગશે. ગેમ માંથી થયેલા નુકસાનને બીજી આવક સામે સમાયોજિત કરી શકાતી નથી.
આવકવેરા કાયદો શું કહે છે?
આવકવેરા કાયદાની કલમ 115BBJ મુજબ કોઈપણ ઓનલાઈન ગેમથી થયેલી આવક પર સીધો 30 ટકા ટેક્સ આપવો પડશે. કોઇ છૂટ, કપાત કે નુકસાનને એડજસ્ટ કરવાનો કોઇ નિયમ નથી. આ ટેક્સ તમારી બાકીની આવક પરના સામાન્ય ટેક્સથી અલગ છે.
આવકવેરા કાયદામાં સ્પષ્ટ પણે લખ્યું છે કે –
ચૂકવવા પાત્ર વેરો બે ભાગમાં રહેશે:
- તે વર્ષે ઓનલાઇન ગેમથી જીતેલા પર 30 ટકા ટેક્સ
- તમારી બાકીની આવક પર સામાન્ય કર (ગેમિંગ આવકની ગણતરી કર્યા વિના)
અહીં ઓનલાઇન ગેમ એટલે કોઇ પણ ગેમ જે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હોય અને મોબાઇલ કે કમ્પ્યુટર જેવા ડિવાઇસથી રમી શકાય.
બે નવા કાયદા અને મોટા ફેરફાર?
ડ્રીમ 11 સહિત ઘણા પ્લેટફોર્મ છેલ્લા કેટલાક દિવસોમાં તેમના મુખ્ય વ્યવસાયથી સ્થળાંતર કરીને અને ઓનલાઇન ગેમિંગ એક્ટ હેઠળ દંડથી દૂર રહીને આ ફેરફારોને અનુસરી રહ્યા છે. આ નવા કાયદાનો હેતુ લત અને પૈસાના શોષણને રોકવાનો છે. નિયમ ઉલ્લંઘન કરવા પર દંડ અને જેલની સજા પણ થાય છે. આગામી વર્ષથી, કલમ 115 બીબીજેનો વ્યાપ ઘટાડવામાં આવે તેવી સંભાવના છે કારણ કે હવે રિયલ મની ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. હા, ઈ-સ્પોર્ટ્સ અને સોશિયલ ગેમ્સને છૂટ આપવામાં આવી છે.
બીજી તરફ, નવા આવકવેરા અધિનિયમ 2025 માં આ કલમમાં ફેરફારનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જેમાં એક નવી કલમનો સમાવેશ થાય છે, જે ગ્રોસ વિનિંગ (નેટને બદલે) પર 30 ટકાના સમાન દરે કર લાદવાનું સૂચન કરે છે.