GST on All Used Cars: જીએસટી કાઉન્સિલ દ્વારા યુઝર્સ કાર એટલે કે સેકન્ડર હેન્ડ કાર પર 18 ટકા જીએસટી લાદવામાં આવ્યો છે. જુની કાર પર જીએસટી મામલે લોકોમાં ઘણી મૂંઝવણ છે. પીઆઈબી દ્વારા સેકન્ડ હેન્ડ કાર જીએસટી મુદ્દાને સરળતાથી સમજાવ્યો છે. કાર પર કેટલો જીએસટી લાગશે, કોને કેટલી અસર થશે, શું કાર વેચવા પર જીએસટી ચૂકવવો પડશે અથવા ખોટ ખાઇ કાર વેચે તો પણ ટેક્સ ચૂકવવો પડશે? આવા ઘણા પ્રશ્નો લોકોને સતાવી રહ્યા છે. અહીં જુની કાર પર જીએસટી સંબંધિત સવાલના જવાબ આપવામાં આવ્યા છે.
જુની કાર પર જીએસટી વધ્યો
જીએસટી કાઉન્સિલની 21 ડિસેમ્બરે બેઠક બાદ નાણાંમંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું કે, યુઝ્ડ અને જુની કાર (1200 સીસી કે તેથી વધુ ક્ષમતા વાળી, 4000 મીમી કે તેનાથી વધુ લાંબી પેટ્રોલ અને ડીઝલ સંચાલિત, 1500 સીસી કે તેનાથી વધુ એન્જિન ક્ષમતા વાળી) પર જીએસટી 12 ટકા થી વધારીને 18 ટકા કરવામાં આવે છે. તેમા ઇલેક્ટ્રિક વ્હીકલ સહિત અન્ય વાહનો પર સામેલ છે. પરંતુ આ 18 જીએસટી માત્ર રજિસ્ટર્ડ યુઝ્ડ કાર બિઝનેસ કરનાર પર જ લાગુ થશે. તેનો મતલબ એવો છે કે, સામાન્ય વ્યક્તિ દ્વાર પોતાની જુની કાર વેચવા પર આ નિયમ લાગુ થશે નહીં.
જુની કાર પર જીએસટીની ગણતરી કેવી રીતે થશે?
આ પ્રશ્નની સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, જો કોઇ જુની કાર બિઝનેસ કરનાર વ્યક્તિ (જો જીએસટી રજિસ્ટર્ડ છે) વેચાણ કરે છે અને તેને નુકસાન થાય છે એટલે કે ખોટ ખાઈ કાર વેચે છે તો તેણે જીએસટી ચૂકવવો પડશે નહીં. માત્ર માર્જિન પર જીએસટી આપવો પડશે.
આ સવાલને ઉદાહરણથી સમજીયે – જો કોઇ વ્યક્તિ 5 લાખ રૂપિયામાં કાર ખરીદે છે. આ કાર રિપેરિંગ અને સર્વિસ કરાવી 6 લાખ રૂપિયામાં કસ્મટરને વેચે છે. તો 1 લાખ રૂપિયાના નફા પર 18 ટકા જીએસટી ચૂકવવો પડશે, નહીં કે વેચાણ કિંમત 6 લાખ રૂપિયા પર. જો આ જ કાર 5 લાખ રૂપિયાથી ઓછી કિંમત વેચે છે તો તેણે કોઇ જીએસટી ચૂકવવો પડશે નહીં.
સામાન્ય વ્યક્તિએ જુની કાર પર જીએસટી ચૂકવવો પડશે?
અહીં સૌથી મોટી મૂંઝવણ એ છે કે, શું સામાન્ય વ્યક્તિ જુની કાર ખરીદી કે વેચે તો પણ જીએસટી ચૂકવવો પડશે. સરકારે આ મામલે સ્પષ્ટતા કરી છે કે, જુની કાર ખરીદ અને વેચાણનો બિઝનેસ કરનાર કંપનીઓ અને એજન્સીઓ પર જીએસટી લાગુ પડશે, પણ એ શરતે કે તેમણે જીએસટી રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આમ સરળ શબ્દોમાં કહીયે તો, બે વ્યક્તિ પરસ્પર જુની કાર ખરીદે કે વેચે છે તો તેમણે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે નહીં.
જુની કારના વેચાણને ફટકો પડશે?
જુની કાર બિઝનેસ પર જીએસટી લાગુ કરવાથી સેકન્ડ હેન્ડ કાર બિઝનેસને ફટકો પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મની કન્ટ્રોલના એક રિપોર્ટ મુજબ, જુની કારના વેચાણ પર ઉંચા જીએસટીથી 3200 કરોડ રૂપિયાના આ બિઝનેસ સેગમેન્ટને ફટકો પડી શકે છે. જુની કાર વેચાણની કામગીરી કરનાર ઓનલાઈન પ્લેટફોર્મ Cars24ના ફાઉન્ડર અને સીઇઓ વિક્રમ ચોપરા કહે છે કે, દેસમાં 10 ટકાથી ઓછા લોકો પાસા પોતાની કાર છે. આવી સ્થિતિમાં જીએસટી વધારવાથી આ બિઝનેસના ગ્રોથને ફટકો લાગી શકે છે.