Gold Silver price Crash Today: સોના ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. એક જ દિવસમાં સોનું 2500 રૂપિયા તૂટ્યું છે, તો ચાંદીના ભાવ 1500 રૂપિયા ઘટ્યા છે. ગ્લોબલ બુલિયન માર્કેટના ઘટાડા પાછળ ભારતમાં પણ સોનું ચાંદી સસ્તા થયા છે. તાજેતરમાં સોનું 1 લાખ રૂપિયાની ઐતિહાસિક સપાટીએ પહોંચતા રિટેલ ઘરાકી ઘટી ગઇ છે. જો કે ભાવ ઘટતા લોકોને ફરી એક વાર સસ્તું સોનું ખરીદવાનો મોકો મળ્યો છે.
સોનું 2500 રૂપિયા સસ્તું થયું
સોનાના ભાવ નોંધપાત્ર ઘટ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં સોમવારે સોનું 2500 રૂપિયા ઘટ્યું છે. આમ 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 96000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જે એક મહિનાનો સૌથી નીચો ભાવ છે. છેલ્લે 13 એપ્રિલના રોજ સોનું 95600 રૂપિયા હતું. પાછલા દિવસે સ્થાનિક બજારમાં સોનાનો ભાવ 98500 રૂપિયા હતો. 22 કેરેટ સોનાનો ભાવ 98200 રૂપિયા થયો છે.
ચાંદી 1500 રૂપિયા ઘટી
સોના પાછળ ચાંદીના ભાવ પણ ઘટ્યા છે. સ્થાનિક ઝવેરી બજારમાં આજે ચાંદી 1500 રૂપિયા ઘટીને 1 કિલોનો ભાવ 95000 રૂપિયા થયો છે. તે છેલ્લા એક સપ્તાહનો સૌથી નીચો ભાવ છે. જ્યારે પાછલા દિવસે ચાંદીનો ભાવ 96500 રૂપિયા બોલાયો હતો.
એમસીએક્સ સોના ચાંદી વાયદામાં કડાકો
એમસીએક્સ ગોલ્ડ સિલ્વર વાયદામાં પણ જબરદસ્ત કડાકો બોલાયો છે. એમસીએક્સ સોનું જૂન વાયદો 3838 રૂપિયા તૂટ્યું હતું અને 92680 રૂપિયા બોલાયું હતું. તો એમસીએક્સ ચાંદી જુલાઇ વાયદામાં 2258 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો અને 1 કિલોનો ભાવ 94471 રૂપિયા બોલાયો હતો.
વૈશ્વિક બજારમાં સોનું તૂટ્યું
વૈશ્વિક બજારમાં પણ સોના ચાંદીના ભાવ ઘટ્યા છે. ગ્લોબલ માર્કેટમાં હાજર સોનું 1.4 ટકા ઘટીને 3277.84 ડોલર પ્રત ટ્રોય ઔંસ થયું હતુ. તો યુએસ ગોલ્ડ ફ્યૂચર કોન્ટ્રાક્ટ 2 ટકાથી વધુ ઘટીને 3279.20 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયુ હતું. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડિલ થઇ છે. આથી બંને દેશો વચ્ચે ટેરિફ વોર સમાપ્ત થવાના આશાવાદમાં સોનું નરમ પડ્યું છે.
સોના ચાંદીના ભાવ ઘટવાના કારણ
- ભારત પાકિસ્તાન યુદ્ધવિરામ
- અમેરિકા ચીન વચ્ચે ટેરિફ વોર સમાપ્ત થવાની આશા
- શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં ઉછાળો
- ઐતિહાસિક ઉંચા ભાવ રિટેલ ઘરાકીનો અભાવ