Fact Check news : તાજેતરમાં જ મોબાઇલ નંબરનો ઉપયોગ કરવા બદલ ચાર્જને લગતા સમાચાર સામે આવ્યા હતા. આ સમાચાર આવ્યા બાદ દેશભરના મોબાઈલ યુઝર્સને મોટો આંચકો લાગ્યો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રાઇએ એક નવો પ્રસ્તાવ મૂક્યો છે જેના કારણે ટેલિકોમ યુઝર્સને વધારાના પૈસા ચૂકવવા પડી શકે છે. એવું કહેવામાં આવ્યું હતું કે ટ્રાઇ ફોન અથવા લેન્ડલાઇન નંબરોનો ઉપયોગ કરવા માટે એક અલગ ચાર્જ માંગે છે, જે પહેલા ટેલિકોમ ઓપરેટર્સ અને પછી વપરાશકર્તાઓ પાસેથી ચાર્જ લઈ શકાય છે. પરંતુ હવે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આવા તમામ અહેવાલોને નકારી કાઢ્યા છે.
ટ્રાઇએ એક અખબારી યાદી બહાર પાડીને કહ્યું છે કે આવી કોઈ યોજના નથી. ફોન નંબર રાખવા માટે અલગથી પૈસા આપવાનો રિપોર્ટ ખોટો છે અને ટ્રાઇ દ્વારા આવા કોઇ કન્સલ્ટેશન પેપર જારી કરવામાં આવ્યા નથી. આ સાથે જ એક ટ્વીટ પણ કરવામાં આવ્યું છે. એક્સ પરની પોસ્ટ અનુસાર એ પ્રકારના રિપોર્ટ છે કે ટ્રાઇ મલ્ટિપલ સીમ/નંબર રાખવા બદલ ચાર્જ લેશે. આ અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે. આવા દાવાઓનો કોઈ આધાર નથી હોતો અને તે માત્ર સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરવા માટે ફેલાવવામાં આવે છે.
મોબાઈલ નંબર સરકારી સંપત્તિ છે: ટ્રાઈ
ટ્રાઇનું કહેવું છે કે ટેલિકોમ સેક્ટરમાં થઇ રહેલા બદલાવને ધ્યાનમાં રાખીને નંબરિંગ સિસ્ટમની સમીક્ષા કરવી જરૂરી છે. ટ્રાઈના જણાવ્યા પ્રમાણે મોબાઈલ નંબર એક સિમિત સરકારી પ્રોપર્ટી છે.
નોંધનીય છે કે ભારતમાં ટેલિકોમ યુઝર્સની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે અને આ સેક્ટરમાં ઘણા બદલાવ આવ્યા છે. ટ્રાઈના રિપોર્ટ મુજબ માર્ચ 2024માં ભારતમાં 1.19 અબજથી વધુ ટેલિફોન કનેક્શન હતા. હવે દેશમાં દર 100માંથી 85 લોકો પાસે ટેલિફોન કનેક્શન છે.
આ પણ વાંચો – અદાણી ગ્રૂપ વધુ એક સિમેન્ટ કંપની ખરીદશે, અંબુજા સિમેન્ટ દ્વારા પેન્ના સિમેન્ટ ટેકઓવર કરવાની ઘોષણા
કયા દેશોમાં ફોન નંબર ઉપર ચાર્જ લેવાય છે?
જણાવી દઈએ કે દુનિયાના ઘણા દેશો એવા છે જ્યાં ફોન નંબર માટે અલગથી ચાર્જ આપવો પડે છે. કેટલાક દેશોમાં આ ચાર્જ ટેલિકોમ કંપનીઓએ ચૂકવવો પડે છે જ્યારે ઘણા દેશોમાં ગ્રાહકોને ચૂકવણી કરવી પડે છે. ટેલિકોમ કંપનીઓને લાઇસન્સની માન્યતા સુધી જ સિમ કાર્ડનો ઉપયોગ કરવાનો અધિકાર છે.
ડેનમાર્ક, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, બેલ્જિયમ, ગ્રીસ, ફિનલેન્ડ, કુવૈત, લિથુઆનિયા, હોંગકોંગ, પોલેન્ડ, નાઇજીરિયા, સ્વિટ્ઝરલેન્ડ વગેરે જેવા દેશોમાં ફોન નંબર ઉપર ચાર્જ લાગે છે.