Dhirubhai Ambani Brithday And Reliance Industries: આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક અને ભારતીય ઉદ્યોગપતિ ધીરૂભાઈ અંબાણીની 92મી જન્મજંયતિ છે. તેમને ભારતીય શેરબજારના પિતા પણ કહેવામાં આવે છે. ભારતનું મૂડીબજાર ઉભું કરવામાં તેમનું અમૂલ્ય યોગદાન છે. નોંધનિય છે કે, વર્ષ 2016માં તેમને વેપાર અને ઉદ્યોગમાં તેમના યોગદાન માટે ભારતના બીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા હતા.
ધીરુભાઈ અંબાણીનો જન્મ અને અભ્યાસ (Dhirubhai Ambani Brithday And Education)
ધીરૂભાઈ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર, 1932માં ગુજરાતમાં જૂનાગઢ જિલ્લાના માળિયા તુલાકાના ચોરવાડ ખાતે વણિક પરિવારમાં થયો હતો.તેમના પિતાનું નામ હીરાચંદ ગોરધનભાઇ અંબાણી જેઓ શિક્ષક હતા અને માતાનું નામ જમનાબેન અંબાણી હતું. પાંચ ભાઈ બહેન સાથે સમગ્ર પરિવાર બે રૂમના મકાનમાં રહેતો હતો. તેમણે 10 ઘોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો.

પરિવારના આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેમણે નાની ઉંમરમાં નોકરી કરવાનું શરૂ કરી દીધુ હતુ. જ્યારે તેઓ માત્ર 16 વર્ષના હતા ત્યારે એડન, યમન જતા રહ્યા, જ્યાં તેમણે એક પેટ્રોલ ઉપર પહેલી નોકરી કરી હતી જેના બદલામાં તેમને માસિક 300 રૂપિયા પગાર મળતો હતો. તેમની કામગીરીથી ખુશ થઇ કંપનીએ તેમને પેટ્રોલ પંપના મેનેજર બનાવી દીધા હતી. જો કે તેમને નોકરી કરવાના બદલે પોતાનો અલગ વેપાર- બિઝનેસ કરવાની ઇચ્છા હતી અને તેઓ વર્ષ 1958માં ભારત પરત આવી મુંબઇમાં રહેવા લાગ્યા હતા.
ધીરુભાઈ અંબાણીનું લગ્ન જીવન અને 4 સંતાન (Dhirubhai Ambani Marriage And Children)
ધીરુભાઈ અંબાણીના વર્ષ 1955માં કોલિકાબેન સાથે લગ્ન થયા હતા. ધીરૂભાઈ અંબાણી અને કોકિલાબેન એડન- યમનમાં એક જ સ્કૂલમાં સાથે ભણતા હતા. ધીરુભાઈ અંબાણીના ચાર સંતાન – બે પુત્ર અને બે પુત્રી છે. જેમાં મુકેશ અંબાણી, અનિલ અંબાણી, નીતા કોઠારી અને દીપ્તિ સોલોકર છે.

ભારત પરત આવી મસાલાનો બિઝનેસ શરૂ કર્યો (Dhirubhai Ambani Business Story)
એડનથી ભારત પરત આવ્યા ત્યારે ધીરુભાઇ અંબાણી પાસે માત્ર 500 રૂપિયાની બચત હતી. ભારત પરત ફર્યા બાદ તેમણે મુંબઇમાં દરેક બજારની મુલાકાત લીધી અને તેમને સમજાઇ ગયુ કે ભારતમાં પેટ્રોલિયમની ડિમાન્ડ છે અને વિદેશમાં ભારતીય મસાલાની. તેમણે આનો બિઝનેસ શરૂ કર્યો.

ધીરૂભાઈ અંબાણી દ્વારા રિલાયન્સની સ્થાપના (Dhirubhai Ambani Started Reliance Industries)
ધીરૂભાઈ અંબાણીએ 8 મે, 1973માં રિલાયન્સ કોમર્સ કોર્પોરેશનના નામે એક બિઝનેસ શરૂ કર્યો, તે મારફતે તેઓ ભારતના મસાલા વિદેશમાં મોકલતા અને વિદેશમાંથી પોલિએસ્ટર ભારતમાં વેચવા લાવતા હતા. એક વાર બિઝનેસ જામી ગયા બાદ તેમણે ક્યારેય પાછુ વળીને જોયું નતી. ધીરૂભાઈએ જ્યારે કંપનીની શરૂઆત કરી ત્યારે 350 ચોરસ ફુટની ઓફિસમાં એક ટેબલ, 3 ખુરશી, બે આસિસ્ટન્ટ અને એક ટેલિફોન હતો અને તેઓ દિવસમાં 10 કલાક કામ કરતા હતા. બિઝનેસ રોકેટ ગતિ એટલી ઝડપથી વધ્યો કે તેઓ 2000માં દેશના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા.
વર્ષ 1962માં તેમણે કંપનીનું નામ રિલાયન્સ ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કર્યું, ત્યારબાદ વર્ષ 1966માં ગુજરાતના અમદાવાદમાં નરોડા ખાતે એક ટેક્સટાઇલ મિલની સ્થાપના કરી.
ભારતીય શેરબજારના પિતા અને રિલાયન્સનો આઈપીઓ (Dhirubhai Ambani Reliance Industries IPO)
ધીરુભાઇ અંબાણીને ભારતીય શેરબજારના પિતા કહેવામાં આવે છે. ધીરુભાઇ અંબાણી વર્ષ 1977માં પોતાની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ લાવ્યા અને તેમાં સૌથી વધુ મધ્યમ વર્ગના લોકોએ રોકાણ કર્યુ હતુ. સૌથી મહત્વપૂર્ણ વાત હતી કે આ આઈપીઓમાં એવા લોકોએ રોકાણ કર્યુ હતુ જેઓ પરંપરાગત રીતે શેર બજાર કે ટ્રેડિંગથી દૂર રહેતા હતા.

એવું કહેવાય છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના આઈપીઓમાં 58,000થી વધારે રોકાણકારોએ રોકાણ કર્યુ હતુ. આઈપીઓની સફળતાથી તેમને લોકોનો વિશ્વાસ મળ્યો. આ કંપનીની એક ખાસ એ છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક જ એવી ખાનગી કંપની છે જેની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) મેદાનમાં થઇ હતી.
આ પણ વાંચો | ભારતના ટોપ- 10 ધનાઢ્યોમાં 5 ગુજરાતી, જાણો દેશના અબજોપતિના નામ અને કેટલી સંપત્તિના માલિક છે
ધીરુભાઇ અંબાણીનું અવસાન થયુ ત્યારે કેટલી સંપત્તિ હતી (Dhirubhai Ambani Net Worth)
ધીરુભાઇ અંબાણીએ 6 જુલાઇ, 2002ના રોજ મુંબઇમાં છેલ્લા શ્વાસ લીધા હતા, તે સમયે તેઓ દુનિયાના 138 ક્રમના સૌથી ધનિક વ્યક્તિ હતા. ફોર્બ્સના આંકડા અનુસાર તેમનું અવસાન થયુ ત્યારે તેમની સંપત્તિ 2.9 અબજ ડોલર હતી. જો ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો તે સમયના મૂલ્ય અનુસાર 24 હજાર કરોડ રૂપિયા જેટલી થાય છે. ધીરુભાઇ અંબાણીનું અવસાન થયુ ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝીની માર્કેટકપ 60,000 કરોડ રૂપિયા હતી. જ્યારે હાલ 17.63 લાખ કરોડ રૂપિયાની માર્કેટ વેલ્યૂ સાથે તે ભારતીય શેરબજારની સૌથી મૂલ્યવાન કંપની છે.