DeepSeek China AT Model Beats US OpenAI Chatgpt: ડીપસીક – એક એવો શબ્દ જેણે બે દિવસથી ઈન્ટરનેટ પર તોફાન મચાવ્યું છે. ચાઇનીઝ સ્ટાર્ટઅપ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) આસિસ્ટન્ટે અમેરિકાની દિગ્ગજ ટેક જાયન્ટ્સ ગૂગલ, મેટા અને ઓપનએઆઈની ઊંઘ હરામ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર ડીપસીક-વી3 એઆઈ મોડલ વિસે લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. તેના લોન્ચિંગ સાથે જ તેણે અમેરિકામાં એપલ એપ સ્ટોર પર લોકપ્રિય એઆઇ ટૂલ ચેટજીપીટીને પાછળ છોડી દીધું હતું અને નંબર 1 સ્થાન મેળવી લીધું હતું.
હાલ સમગ્ર દુનિયામાં ડીપસીક વી3 એઆઈ મોડલની ચર્ચા થઇ રહી છે. ડીપસીકની સૌથી વધુ અસર અમેરિકાની દિગ્ગજ ટેક કંપની Nvidia પર જોવા મળી હતી. સોમવારે Nvidia કંપનીના શેરમાં 13 ટકાનો કડાકો બોલાયો અને માર્કેટ વેલ્યૂએશનમાં 600 અબજ ડોલરનું ધોવાણ થયું હતું. એક ચાઈનીઝ સ્ટાર્ટઅપ્સે અમેરિકાની દિગ્ગજ ટેક કંપનીઓને હચમચાવી દીધી છે.
આજે આપણે વાત કરીશું ડીપસેક વિશે. જો તમને હજુ સુધી આ વિશે ખબર ન હોય તો ચિંતા ન કરો, અમે તમને ડીપસેક વિશેની દરેક વિગત જણાવીશું. ડીપસીક એક ઓપન સોર્સ આસિસ્ટન્ટ છે અને તે દુનિયાભરના ડેવલપર્સ માટે વાપરવા માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. આખરે એક અઠવાડિયા પહેલા જ લોન્ચ થયેલા એઆઈ આસિસ્ટન્ટ શું છે જેણે દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાને પરસેવો છોડાવી દીધો છે અને ઈન્ટરનેટ પર સનસની મચાવી દીધી છે. ડીપસીક ડાઉન લોટ કરવાની અને ઉપયોગ કરવાની રીત વિશે જાણકારી આપવામાં આવી છે.
What Is DeepSeek : ડીપસીક શું છે?
ડીપસીક એક એઆઇ ચેટબોટ છે, જેને ચીનના હાંગઝોઉની એક ટેક કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. આ શહેર ચીનના દક્ષિણપૂર્વ ભાગમાં આવેલું છે. આ કંપનીની સ્થાપના લિયાન વેનફેંગે કરી હતી. સરળ ભાષામાં કહીયે તો, અમેરિકાના ઓપનએઆઇના ચેટજીપીટીને આ ચાઇનીઝ સ્ટાર્ટઅપ દ્વારા બનાવવામાં આવેલા એઆઇ આસિસ્ટન્ટ ડીપસીક દ્વારા સીધી ટક્કર આપવામાં આવી છે.
ડીપસીકની સૌથી વધુ ચર્ચા એ છે કે અમેરિકન કંપનીઓ દ્વારા વિકસિત એઆઈ આસિસ્ટન્ટની તુલનામાં તેને બનાવવાનો ખર્ચ ઘણો ઓછો છે. સંશોધકોના જણાવ્યા અનુસાર ડીપસીકને બનાવવા માટે માત્ર 6 મિલિયન ડોલર થી પણ ઓછો ખર્ચ થયો હતો, જે યુએસ કંપનીઓ દ્વારા એઆઈ ડેવલપ કરવા પાછળ કરેલા ખર્ચ કરતા અત્યંત નજીવી રકમ છે.
હાલમાં, ડીપસીક પાસે બે મોડેલો ઉપલબ્ધ છે- R1 અને R1 ZERO. આર1 (R1) મોડેલ હાલમાં યુઝર્સ માટે ઉપલબ્ધ છે. બીજી એક ખાસ બાબત જેણે યુઝર્સનું ધ્યાન આકર્ષિત કર્યું છે, તે એ છે કે આ એઆઈ આસિસ્ટન્ટ હાલ ઉપયોગ કરવા માટે સંપૂર્ણપણે મફત છે. એટલે કે કોઇ પણ વ્યક્તિ કોઇ પણ પૈસા ખર્ચ્યા વગર આ ચેટબોટ એક્સેસ કરી શકે છે. અન્ય એઆઈ આસિસ્ટન્ટથી વિપરીત, તે મફત હોવા છતાં પણ અનલિમિટેડ વાપરી શકાય છે, એટલે કે, ઘણા પ્રશ્નો પૂછ્યા પછી પણ, તમને ChatGPT જેમ your free limits are over એવા મેસેજ નહીં મળે.
નોંધનીય છે કે, સબસ્ક્રિપ્શન વગર ચેટજીપીટીનો ઉપયોગ કરતી વખતે યુઝરને 5 કલાકની વિન્ડોમાં મર્યાદિત પ્રશ્નો પૂછવાની છૂટ હોય છે.
ડીપસીક ને એપ સ્ટોર પર ડાઉનલોડ કરી શકાય છે. આ ઉપરાંત તમે chat.deepseek.com ટાઇપ કરીને પણ આ ચેટબોટને એક્સેસ કરી શકો છો.
How to Download DeepSeek App? : ડીપસીક એપ કેવી રીતે ડાઉનલોડ કરવી?
ડીપસિકનો ઉપયોગ કરવા માટે, તમારે તેને તમારા આઇફોનમાં ડાઉનલોડ કરવાની જરૂર છે. તમે ઇચ્છો તો વેબસાઇટ પર પણ તેને એક્સેસ કરી શકો છો.
- ડીપસીક એપ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા એપ સ્ટોર પર જાઓ
- ત્યારબાદ સર્ચ બારમાં DeepSeek ટાઇપ કરો
- મોબાઇલ સ્ક્રીન પર એપ દેખાય ત્યારે Get બટન પર ક્લિક કરો
વેબસાઇટ પર ડીપસીક નો કેવી રીતે ઉપયોગ કરવો?
- સૌથી પહેલા તમારા બ્રાઉઝરમાં chat.deepseek.com ટાઇપ કરો
- ત્યાર બાદ તમને લોગિન કરવા માટે કહેવામાં આવશે
- તમે તમારું ગૂગલ આઈડી અને પાસવર્ડ દાખલ કરીને લોગિન કરી શકો છો
- ડીપસીકનું ઈન્ટરફેસ પણ ચેટજીપીટી જેવું લાગે છે, તમારે માત્ર તમારો પ્રશ્ન ડાયલોગ બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે અને પછી એઆઈ-ચેટબોટના જવાબની રાહ જોવી પડશે.
સ્માર્ટ અને વાજબી ઇનોવેશન ટેકનોલોજી
ડીપસીક વી3 (V3) શાનદાર છે કારણ કે તે અન્ય એઆઇ (AI) મોડેલોની જેમ જ કામગીરી બજાવે છે, ઉપરાંત આ ટેકનોલોજી ડેવલપ કરવાનો ખર્ચ પણ બહું ઓછો છે. ચીન પર એડવાન્સ્ડ હાર્ડવેર પ્રતિબંધોને કારણે પણ આ મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે, સ્પર્ધાત્મક એઆઇ સિસ્ટમ ડેવલપ કરવા માટે અબજો ડોલરની જરૂર પડે છે, અને ડીપસીકની સફળતા દર્શાવે છે કે સર્જનાત્મક અભિગમ સાથે મર્યાદિત બજેટમાં પણ પાવરફુલ એઆઇ મોડેલો ડેવલપ કરવું શક્ય છે.
જો કે, સૌથી મોટી હકીકત એ છે કે ડીપસીક-વી3 ઓપન-સોર્સ છે, જેનો અર્થ એ છે કે દુનિયાભરના ડેવલપર્સ તેને એક્સેસ કરી શકે છે, એવી જગ્યાઓ પર પણ જ્યાં મોંઘા એઆઈ ટૂલ્સમાં રોકાણ કરવા માટે ઓછા પૈસા છે.
આ પણ વાંચો | ચીનના ડીપસીક થી યુએસ શેરબજારમાં ભૂકંપ, Nvidia ને 600 અબજ ડોલરનું નુકસાન
અમેરિકાના પ્રતિબંધોનો ચીનનો જડબાતોડ જવાબ
ડીપસીક-વી3નું લોન્ચિંગ ઘણું મહત્વનું છે. અમેરિકા લાંબા સમયથી એવા અગ્રણી એઆઇ ચિપના એક્સેસ માટે ચીન પર પ્રતિબંધ લગાવી રહ્યું છે જેની જરૂર મોટા એઆઈ મોડલને ટ્રેન કરવા માટે થાય છે. આ પ્રતિબંધોનો હેતુ ચીનને એઆઈ ટેકનોલોજીમાં ઝડપથી આગળ વધતા અટકાવવાનો હતો, પરંતુ ડીપસીકની સફળતા દર્શાવે છે કે આ પ્રતિબંધો અમેરિકાની અપેક્ષાઓ મુજબ અસર કરી શક્યા નથી. મોંઘા હાર્ડવેર પર આધાર રાખવાને બદલે, ડીપસિકના ઇજનેરોએ હાલની ટેકનોલોજીને વધુ કાર્યક્ષમ બનાવવા માટે નવી રીતો શોધી કાઢી અને ટેક ઉદ્યોગને એઆઇ સિસ્ટમ્સ કેવી રીતે કાર્ય કરે છે તે વિશે વિચારવાની ફરજ પાડી.