scorecardresearch
Premium

Credit card એટલે ઉછીના પૈસા જલસા : ક્રેડિટ કાર્ડની NPA 9 મહિનામાં 24 ટકા વધીને ₹ 3887 કરોડ થઇ, RBI ચિંતિત

RBI Credit card NPA : પર્સનલ લોનની જેમ ક્રેડિટ કાર્ડ પણ જોખમી ધિરાણ છે કારણ કે બાકી લેણાંની વસૂલાત કરવા બેંકો પાસે કોલેટરલ કે જામીનગીરી હોતી નથી.

rbi credit card
21 એપ્રિલ, 2023ના રોજ બેન્કિંગ સેક્ટરનું ક્રેડિટ કાર્ડ લોન એક્સપોઝર રૂ. 2 લાખ કરોડ હતું. (File photo)

RBI caution after rises Credit card NPA : ભારતીયોમાં પણ વિદેશની જેમ નાણાંકીય જરૂરિયતો સંતોષવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું ચલણ વધી રહ્યુ છે, જે બેંકોની નોન પર્ફોર્મિંગ એસેટ્સ એટલે કે એનપીએની સમસ્યાને વધુ ગંભીર બનાવી શકે છે. કારણ કે ક્રેડિટ કાર્ડ એ અનસિક્યોર્ડ લોન છે, જેમાં ક્રેડિટ કાર્ડધારક ડિફોલ્ટ થાય તો બેંકો પાસે રિકવરી કરવા માટે કોઇ એસેટ્સ કે જામીનગીરી હોતી નથી.

બેંકોના ક્રેડિટ કાર્ડની NPA માત્ર 9 મહિનામાં 25 ટકા વધી

ઘ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા એક RTIમાં પુછાયેલા પ્રશ્નમાં રિઝર્વ બેંકે પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, બેંકોના ક્રેડિટ કાર્ડ સેગમેન્ટમાં બેડ ક્રેડિટ એટલ કે નોન – પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) એપ્રિલ-ડિસેમ્બર 2022ના સમયગાળામાં રૂ. 765 કરોડ કે 24.5 ટકા વધીને રૂ. 3,887 કરોડે પહોંચી ગઈ છે.

જો કે, ક્રેડિટ કાર્ડની NPAની કુલ રકમ એ ડિસેમ્બર 2022 સુધીમાં કુલ ક્રેડિટ કાર્ડના બાકી લેણાં અથવા લોન એક્સપોઝરના માત્ર 2.16 ટકા છે, જે 31 માર્ચ, 2022ના 2.11 ટકાથી થોડીક વધારે છે.

બેંકોના કુલ બાકી લેણાંની સરખામણીમાં ક્રેડિટ કાર્ડ NPAનો આંકડો ભલે નાનો હોય, પરંતુ NPAમાં વૃદ્ધિ RBI માટે ચિંતાનું કારણ બની રહ્યું છે. એ જાણવા મળ્યું છે કે, RBI એ બેંકોને પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ જેવી અસુરક્ષિત લોન મામલે ચેતવણી આપી છે.

RBI
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા

ક્રેડિટ કાર્ડધારકો પર 1.8 લાખ કરોડનું દેવું

ગત 30 ડિસેમ્બર, 2022ના રોજ બેન્કિંગ સિસ્ટમમાં ક્રેડિટ કાર્ડધારકો પાસેથી બાકી લેવાની નીકળતી રકમ એટલે કે ક્રેડિટ કાર્ડના બાકી પેમેન્ટ રૂ. 1.8 લાખ કરોડ હતા. RBIના તાજેતરના આંકડા દર્શાવે છે કે બેન્કિંગ સેક્ટરનું ક્રેડિટ કાર્ડ લોન એક્સપોઝર 21 એપ્રિલ, 2023ના રોજ રૂ. 2 લાખ કરોડ હતું. જે તેમની કુલ લોન બુકના 1.5 ટકા જેટલુ છે.

હાલ માર્ચ ક્વાર્ટર 2023ના આંકડા એક્ત્ર કરવામાં આવી રહ્યા છે. આથી રિઝર્વ બેંકે 31 ડિસેમ્બર, 2022ના રોજ સમાપ્ત થયેલા નવ મહિનાના ક્રેડિટ કાર્ડ એનપીએ આંકડા આપ્યા છે.

ક્રેડિટ કાર્ડના બાકી લેણાં પર 38થી 42 ટકા વ્યાજની વસૂલાત

ગ્રેસ પીરિયડ વિતિ ગયા બાદ બાકી લેણાં પર બેંકો લગભગ 38 થી 42 ટકા જેટલુ ઉંચુ વ્યાજ વસૂલે છે. એપ્રિલ 2023ના માસિક બુલેટિનમાં પ્રકાશિત થયેલા આરબીઆઈના સ્ટેટ ઑફ ઈકોનોમી લેખ અનુસાર: “ક્રેડિટ કાર્ડ્સ અને એજ્યુકેશન લોનને બાદ કરતાં, ગ્રાહક ધિરાણની તમામ કેટેગરીમાં 90+ દિવસના નિયત પીરિયડમાં ડિફોલ્ટના કિસ્સા ઘટી રહ્યા છે.” આ લેખ રિઝર્ બેંકના ડેપ્યુટી ગવર્નર માઈકલ પાત્રા અને કેન્દ્રીય બેંકના અન્ય અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.

જો સ્ટેટમેન્ટમાં ઉલ્લેખિત લઘુત્તમ બાકી રકમ, સ્ટેટમેન્ટમાં ઉલ્લેખિત ચુકવણીની નિયત તારીખથી 90 દિવસની અંદર સંપૂર્ણ રીતે ચૂકવવામાં ન આવે તો ક્રેડિટ કાર્ડ એકાઉન્ટને નોન-પર્ફોર્મિંગ એસેટ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

પર્સનલ લોનની જેમ ક્રેડિટ કાર્ડનું ધિરાણ બેંકો માટે જોખમી

પર્સનલ લોનની જેમ ક્રેડિટ કાર્ડનું ધિરાણ પણ બેંકો માટે જોખમી છે, કારણ કે તેમાં કોઇ કોલેટરલ કે જામીનગીરી હોતી નથી. તેનાથી બેન્કોની એસેટ ક્વોલિટી નબળી પડી શકે છે. આવી ધિરાણ લોન લેનારાઓની ક્રેડિટ લાયકાતને આધારે ઓફર કરવામાં આવે છે.

આ બાબતથી માહિતગાર વ્યક્તિના જણાવ્યા અનુસાર, “RBI ખાસ કરીને ક્રેડિટ કાર્ડના તે સેગમેન્ટ પર નજર રાખી રહી છે જ્યાં બાકી લેણાં અને ઓવરડ્યુ વધારે છે.”

વર્તમાન ભાવોની દ્રષ્ટિએ ભારતની જીડીપી $3737 બિલિયન છે. વિકસિત દેશોની સરખામણીમાં, ભારતની જીડીપી યુએસ ($26,854 બિલિયન), ચીન ($19,374 બિલિયન), જાપાન ($4,410 બિલિયન) અને જર્મની ($4,309 બિલિયન) કરતાં ઓછી છે.

સૂત્રોનું કહેવું છે કે આરબીઆઈ ક્રેડિટ કાર્ડ સહિતની અસુરક્ષિત પર્સનલ લોન પર રિસ્ક વેઇટેજ વધારવાનું પણ વિચારી રહી છે. જોકે આ મામલે મધ્યસ્થ બેંકે ઇમેઇલનો જવાબ આપ્યો ન હતો.

રિસ્ક વેઇટેજ એવી મૂડીની રકમ છે જે ધિરાણકર્તાએ આપેલી દરેક લોન માટે અલગ રાખવાની હોય છે. રિસ્ક વેઇટેજમાં વધારો એટલે બેંકોએ દરેક લોન માટે વધારે મૂડીની જોગવાઈઓ કરવી પડશે.

હાલમાં, પર્સનલ લોન સહિત ગ્રાહક ક્રેડિટ માટે જોખમનું વજન 100 ટકા છે. જેમાં ક્રેડિટ કાર્ડના સંદર્ભમાં તે 125 ટકા છે. છેલ્લા કેટલાક ત્રિમાસિક ગાળામાં, ગ્રાહક વપરાશના ઊંચા ખર્ચને કારણે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ક્રેડિટ કાર્ડ લોનમાં રોકેટ ગતિએ વધારે થયો છે.

આ પણ વાંચોઃ RBIએ 2000ની નોટ રદ કર્યા બાદ જનતા પાસે રોકડ રકમમાં ₹ 83,242 કરોડનો ઘટાડો

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લોન 30.8 ટકા વધી

રિઝર્વ બેંકના આંકડા અનુસાર 21 એપ્રિલ, 2023 સુધીમાં એક બાજુ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લોનમાં વાર્ષિક ધોરણે 30.8 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી જ્યારે બીજી બાજુ ત્યારે ક્રેડિટ કાર્ડની બાકી રકમ 29.7 ટકા વધી છે. એક ખાનગી ધિરાણકર્તાએ જણાવ્યું કે, “ક્રેડિટ કાર્ડની બાકી રકમમાં વધારો – કુલ આર્થિક વૃદ્ધિમાં સુધારો અને ગ્રાહક માંગમાં વૃદ્ધિ અને ક્રેડિટ કાર્ડની સંખ્યામાં વૃદ્ધિને આભારી છે. જો ક્રેડિટ કાર્ડના ડિફોલ્ટનું પ્રમાણ વધે તો જ આપણે ચિંતા કરવી જોઈએ.”

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહી ક્લિક કરો

Web Title: Credit card npa rbi non performing assets loan default

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×