Budget 2025: યુનિયન બજેટ 2025 નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2025ના રોજ સંસદમાં રજૂ કરશે. સામાન્ય જનતા આ બજેટ પાસેથી મોટી આશાથી રાખી રહી છે. આ બજેટ પર ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીની પણ નજર છે, કારણ કે તેને આશા છે કે સરકાર ઇન્ડસ્ટ્રીને લઇને કોઇ મોટો નિર્ણય લઇ શકે છે. દરમિયાન, સામાન્ય લોકો ટીવી, ફ્રિજ, મોબાઇલ ફોન,વોશિંગ મશીન સહિત વિવિધ ઘરેલું વપરાશની ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ સસ્તા થવાની અપેક્ષા રાખી રહ્યા છે.
સ્માર્ટફોન સસ્તા થશે?
મોદી સરકારનું ધ્યાન છેલ્લા કેટલાક વર્ષોમાં ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ પર કેન્દ્રિત રહ્યું છે. ગયા વર્ષે તેના માટે 15,000 કરોડ રૂપિયાથી વધુનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. સરકારનું ધ્યાન સેમીકન્ડક્ટર્સના ઉત્પાદન પર છે. સાથે જ સરકાર મોબાઈલના મેન્યુફેક્ચરિંગ પર પણ ફોકસ કરી રહી છે. આવી સ્થિતિમાં જો બજેટમાં આને લગતી કોઈ જાહેરાત કરવામાં આવે તો મોબાઈલ અને તેના પાર્ટસની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે.
આ દરમિયાન, ફોન ઉત્પાદકોએ સરકારને વિનંતી કરી છે કે બજેટ માં મોબાઇલના પાર્ટ્સ અને કમ્પોનન્ટ પરની આયાત ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવે. જો સરકાર બજેટમાં આ અંગે કોઇ જાહેરાત કરશે તો દેખીતી રીતે જ સ્માર્ટફોનની કિંમતોમાં ઘટાડો થશે.
ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન અને એસીની કિંમત ઘટશે?
આ ઉપરાંત ભારતીય ઈલેક્ટ્રોનિક સંગઠને સરકારને ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પર ડ્યૂટી હટાવવાની માંગ કરી છે. જો સરકારની આ માગ પૂરી થાય તો સ્થાનિક સ્તરે ઉત્પાદન કરતી કંપનીઓને રાહત મળશે. તેનાથી ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન અને એસી બનાવતી કંપનીઓને રાહત મળશે અને તેનો સીધો ફાયદો દેશના સામાન્ય નાગરિકને મળશે. જ્યારે ઈલેક્ટ્રોનિક પાર્ટ્સની કિંમત ઘટશે તો તેના ભાવ પણ ઘટશે.
જેવીસી ટીવી ઇન્ડિયાના પ્રતિનિધિ પલ્લવી સિંહે કહ્યું, હું નાણાં પ્રધાનને વિનંતી કરું છું કે ટેલિવિઝન પર જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવે. ટેલિવિઝનને લક્ઝરી વસ્તુ ન ગણવી જોઈએ, અને વર્તમાન કરનો દર ઉંચો છે. કાચા માલ પર 18 ટકા ટેક્સ લાગે છે, જ્યારે ટેલિવિઝન જેવા ફિનિશ્ડ પ્રોડક્ટ્સ પર 28 ટકા ટેક્સ લાગે છે, જે અસંતુલન પેદા કરે છે અને આયાતકારો પર બોજ નાંખે છે.
કોડક અને બ્લાપંક્ટની બ્રાન્ડ લાઇસન્સિંગ કંપની એસપીપીએલના સીઇઓ અવનીત સિંહ મારવાહ આશા રાખે છે કે, ભારતના ટીવી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એક મોટા ખેલાડી તરીકે, અમે આતુરતાથી કેન્દ્રીય બજેટ 2025 અને સ્થાનિક ઉત્પાદનને વેગ આપવાની તેની સંભાવનાની રાહ જોઈ રહ્યા છીએ. અમારું માનવું છે કે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ માટે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઇ) યોજનાનો વિસ્તાર કરવાથી વૈશ્વિક સ્તરે ભારતીય ઉત્પાદકોની સ્પર્ધાત્મકતા વધશે, ઉત્પાદન ક્ષમતા વધશે, ઇનોવેશન આવશે અને રોજગારીનું સર્જન થશે.
અમે એવી પણ આશા રાખીએ છીએ કે સરકાર ડિસ્પ્લે પેનલ્સ અને સેમીકન્ડક્ટર્સ જેવા મુખ્ય પાર્ટ્સ પર આયાત ડ્યુટીને તર્કસંગત બનાવશે, ઇનપુટ ખર્ચમાં ઘટાડો કરશે અને વધુ સસ્તી, ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનોને પ્રોત્સાહન આપશે. ભારતીય ટીવી બજારમાં દર વર્ષે 13 ટકાનો ઘટાડો થઈ રહ્યો છે. કસ્ટમ્સ ડ્યુટીમાં કોઈ પણ વધારો અવરોધ ઉભો કરશે.
અમે અપેક્ષા રાખીએ છીએ કે અંદાજપત્રમાં વેપાર-વાણિજ્ય કરવાની સરળતા, ધિરાણની સુલભતા અને ગ્રીન મેન્યુફેક્ચરિંગ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જે તમામ બાબતો ભારતના વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ કેન્દ્ર બનવાના લક્ષ્યાંકને ટેકો આપશે.
આ પણ વાંચો | બજેટ 2025 કઇ તારીખ અને કેટલા વાગે રજૂ થશે? લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોવા મળશે? જાણો અહીં
પીએલઆઈ યોજનાના વિસ્તરણ અને કસ્ટમ ડ્યુટી એડજસ્ટમેન્ટ સહિતના યોગ્ય નીતિગત પગલાં સાથે, અમને વિશ્વાસ છે કે ભારતનું ટીવી ઉત્પાદન ક્ષેત્ર વિકસિત થશે અને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ બજારમાં નોંધપાત્ર યોગદાન આપશે.