નાણામંત્રીનું બજેટ ભાષણ વર્ષના સૌથી મહત્વપૂર્ણ આર્થિક દસ્તાવેજો હોય છે. પરંતુ બજેટ ભાષણમાં એવા અનેક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે, જેનો અર્થ બધા લોકો જાણતા હોય તેવું શક્ય નથી. જો તમને બજેટ ભાષણમાં વપરાતા મહત્વપૂર્ણ શબ્દોનો અર્થ ખબર હશે તો તમને બજેટ સ્પીચ અને બજેટ સમજવામાં સરળતા રહેશે. દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમન 1 ફેબ્રુઆરી, 2023ના રોજ સંસદમાં બજેટ રજૂ કરશે. તો ચાલો જાણીયે બજેટ ભાષણમાં વપરાતા કેટલાંક મહત્વપૂર્ણ શબ્દો અને તેના અર્થ વિશે…
એન્યુઅલ ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ (Annual Financial Statement)
કેન્દ્રીય બજેટને એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ (AFS) કે વાર્ષિક નાણાંકીય નિવેદન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો અર્થ છે ચોક્કસ નાણાકીય વર્ષ દરમિયાન ખર્ચ અને આવકનું સરવૈયું. બંધારણના અનુચ્છેદ- 112 હેઠળ, કેન્દ્ર સરકાર માટે સંસદ સમક્ષ તેના એન્યુઅલ ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ રજૂ કરવા ફરજિયાત છે. બજેટમાં, વર્તમાન નાણાકીય વર્ષની વિગતો સાથે, આગામી નાણાકીય વર્ષ માટેનો અંદાજ પણ આપવામાં આવે છે, જેને બજેટ અંદાજ (BE અથવા budget estimates) કહેવામાં આવે છે. આગામી નાણાકીય વર્ષ માટેનું આ બજેટ સંસદ દ્વારા પસાર કરવું જરૂરી છે. સંસદની મંજુરી વિના કેન્દ્ર સરકાર ભારતના કોન્સોલિડેટેડ ફંડમાં જમા થયેલ નાણાંનો ખર્ચ કરી શકતી નથી.
રાજકોષીય નીતિ (Fiscal Policy)
રાજકોષીય નીતિ અથવા રાજકોષીય નીતિમાં સરકારની ટેક્સ પોલિસી, કરવેરાથી થતી આવક અને ખર્ચની વિગતો અને અંદાજનો સમાવેશ થાય છે. તે દેશની આર્થિક સ્થિતિ દર્શાવતું એક મુખ્ય માપદંડ છે. સરકાર માત્ર રાજકોષીય નીતિ હેઠળ તેના ખર્ચનું આયોજન અને ટેક્સ રેટમાં એડજસ્ટમેન્ટ જેવી કામગીરી કરે છે. દેશમાં માલસામાન અને સેવાઓની કુલ માંગ, રોજગારી, ફુગાવો અને આર્થિક વૃદ્ધિ પર રાજકોષીય નીતિની સીધી અસર થાય છે. ઉદાહરણ તરીકે, આર્થિક મંદીની સ્થિતિમાં, સરકાર કરવેરાના દર ઘટાડીને અને ખર્ચ વધારીને અસરકારક માંગ અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની કામગીરી કરે છે.
નાણાકીય નીતિ (Monetary Policy)
વિકાસ દર, માંગ અને ફુગાવાના દર જેવા અર્થતંત્રના મહત્વપૂર્ણ પાસાઓને અસર કરતી એક અન્ય મહત્વપૂર્ણ નીતિ એટલે મોનેટરી પોલિસી, જે નક્કી કરવાની મુખ્ય જવાબદારી ભારતીય રિઝર્વ બેંક (RBI) પાસે છે. ધિરાણ નીતિ દ્વારા રિઝર્વ બેંક દેશમાં નાણાંની તરલતા અને વ્યાજદરોમાં વધ-ઘટ અસર કરે છે.
રાજકોષીય ખાધ (Fiscal Deficit)
જો સરકારનો કુલ ખર્ચ તેની કુલ આવક કરતા વધી જાય તો તેણે નુકસાન સહન કરવું પડે છે. ખર્ચ અને આવક વચ્ચેના આ નકારાત્મક તફાવતને ફિસ્કલ ડેફિસિટ કે રાજકોષીય ખાધ કહેવામાં આવે છે. રાજકોષીય ખાધની ગણતરી કરતી વખતે, સરકારનું વિદેશી દેવાની ગણતરી કરવામાં આવતી નથી. સરકાર માટે રાજકોષીય ખાધને વાજબી સ્તરે રાખવી બહુ જ જરૂરી છે, કારણ કે, જો રાજકોષીય ખાધ નિયંત્રણની બહાર જતી રહે તો સરકારની આર્થિક તંદુરસ્તી પર ખરાબ અસર થઇ શકે છે. જો કે આર્થિક વિકાસને વેગ આપવા માટે કેટલીકવાર સરકારે જાણી જોઈને રાજકોષીય ખાધનું સ્તર ઉંચુ રાખવાની ફરજ પડે છે.
ચાલુ ખાતાની ખાધ (Current Account Deficit)
કરન્ટ એકાઉન્ટ ડેફિસિટને સાદી ભાષામાં ચાલુ ખાતાની ખાધ પણ કહેવાય છે. આ ખાધ દેશના વૈશ્વિક વેપાર એટલે કે નિકાસ-આયાતની સ્થિતિને દર્શાવે છે. સામાન્ય રીતે, ભારતની કુલ નિકાસનું મૂલ્ય દેશની કુલ આયાત મૂલ્ય કરતાં વધારે જ રહે છે. આ તફાવત જ ભારતની ઉંચી વેપાર ખાધ અને ચાલુ ખાતાની ખાધનું મુખ્ય કારણ છે.
મહેસૂલ ખાધ (Revenue Deficit)
જ્યારે સરકારની વાસ્તવિક ચોખ્ખી આવક અથવા આવક સર્જન તેની અંદાજિત ચોખ્ખી આવક કરતાં ઓછું હોય ત્યારે મહેસૂલ ખાધની સમસ્યા સર્જાય છે. આવું ત્યારે થાય છે જ્યારે સરકારની વાસ્તવિક આવક અને ખર્ચની રકમ બજેટમાં અંદાજવામાં આવેલી આવક અને ખર્ચની રકમ સાથે સુસંગત ન હોય. મહેસૂલ ખાધ એ પણ દર્શાવે છે કે સરકાર તેની નિયમિત આવકની તુલનાએ વધાર ખર્ચ કરી રહી છે.
મૂડી ખર્ચ (Capital Expenditure)
કેપિટલ એક્સપેન્ડિચર કે મૂડીખર્ચ એ આર્થિક વિકાસમાં મોટી ભૂમિકા ભજવે છે. દેશમાં નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા કે બાંધકામ કરવા, નવી ફિઝિકલ એસેટ્સ અથવા સાધનો ખરીદવા અથવા તેને અપગ્રેડ કરવા જેવી કામગીરી પાછળ સરકાર જે ખર્ચ કરે છે તેને મૂડીખર્ચ કહેવામાં આવે છે. તે લાંબા ગાળાનો ખર્ચ છે અને તેના ફાયદાઓ પણ લાંબા ગાળે મળે છે. રસ્તાઓ, રેલ્વે, બંદરો, ડેમ અને વીજ મથકનું બાંધકામ જેવી કામગીરી એ સરકારના મૂડી ખર્ચના મુખ્ય ઉદાહરણો છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)
ભારતમાં જુલાઇ 2017થી નવી કર પ્રણાલી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)નો અમલ શરૂ થયો છે અને તે સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત છે નાણા પ્રધાન તેમના બજેટ ભાષણમાં સરકારની આવકની વિગતો રજૂ કરતી વખતે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) નો ઉલ્લેખ કરી શકે છે, પરંતુ તેમાં કોઈ ફેરફાર બજેટ મારફતે કરવામાં આવતો નથી. કારણ કે GSTના સ્લેબ અને માળખાંને લગતા તમામ નિર્ણયો GST કાઉન્સિલની બેઠકોમાં લેવામાં આવે છે, જેમાં રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ મહત્વની ભૂમિકા ભજવે છે.
કસ્ટમ ડ્યૂટી (Customs duty)
દેશમાં ચીજ વસ્તુઓની નિકાસ અને આયાત પર સરકાર દ્વારા કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવે છે. તેનો બોજ આખરે તે ચીજવસ્તુના અંતિમ વપરાશ પર આવે છે. કસ્ટમ ડ્યુટીને અત્યાર સુધી GSTના દાયરાથી બહાર રાખવામાં આવી છે. આથી સરકાર બજેટ મારફતે કસ્ટમ ડ્યૂટીમાં ફેરફાર કરી શકે છે.