World 500 richest person net worth : નાણાંકીય વર્ષ 2023ના જાન્યુઆરીથી જૂન સુધીના પ્રથમ છ મહિના ભારે અફરાતફરીવાળા રહ્યા છે અને તેના પરિણામે દુનિયા અબજોપતિની સંપત્તિમાં વધારો કાં તો ઘટાડો થયો છે. જો ભારતના ધનાઢ્યોની વાત કરીયે તો હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના વિવાદને પગલે ગૌતમ અદાણીને સૌથી વધારે નુકસાન સહન કરવું પડ્યું છે. ચાલો જાણીયે વર્ષ 2023ના પ્રથમ છ મહિનામાં દુનિયાભરના ધનકુબેરોની સંપત્તિમાં કેટલો વધારો કે ધોવાણ થયુ.
વિશ્વના અબજોપતિની સંપત્તિ છ મહિનામાં 852 અબજ ડોલર વધી
કેલેન્ડર વર્ષ 2023ના પ્રથમ છ મહિના વિશ્વના અબજોપતિઓ માટે ઘણો ફાયદાકારક રહ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ અનુસાર જાન્યુઆરીથી જૂન દરમિયાન વિશ્વના ટોચના 500 અબજપતિઓની સંપત્તિમાં 852 અબજ ડોલરનો વધારો થયો છે. પ્રત્યેક ધનકુબેરની સંપત્તિ દરરોજ 14 અબજ ડોલર વધી છે. જે વર્ષ 2020ના સમાન સમયગાળાની તુલનાએ ઘણો ઉંચો વૃદ્ધિદર છે.
સંપત્તિમાં વધારો થવાના કારણો
આ વર્ષની શરૂઆતથી જ અમેરિકા સહિત વિશ્વના શેરબજારોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે, જેનો ફાયદો અબજોપતિઓને મળ્યો છે. યુએસ સ્ટોક માર્કેટના મુખ્ય સૂચકાંકમાં ગણાતા S&P-500 એ આ વર્ષની શરૂઆતથી 16 ટકા અને Nasdaq-100 એ 39 ટકા વળતર આપ્યું છે.
કોની સંપત્તિમાં સૌથી વધુ વૃદ્ધિ થઇ
સંપત્તિમાં વૃદ્ધિના મામલામાં એલોન મસ્ક અને માર્ક ઝકરબર્ગ નસીબદાર છે . એલોન મસ્કની સંપત્તિમાં વર્ 2023ની શરૂઆતથી અત્યાર સુધીમાં 110 અબજ ડોલરનો વધારો થયો છે અને તેના સહારે તેમની સંપત્તિ 247 અબજ ડોલરની આસપાસ પહોંચી ગઈ છે અને તેઓ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.
તો ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં ચાલુ વર્ષે 58.6 અબજ ડોલરનો વધારો થયો છે અને તેમની કુલ સંપત્તિ લગભગ 104 અબજ ડોલર થઇ ગઇ છે. વિશ્વના અબજોપતિની યાદીમાં તેઓ 9મા સ્થાને છે.
દુનિયાના ટોપ-5 ધનકુબેર
જો દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની વાત કરીયે તો વિશ્વના બીજા સૌથી અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિમાં આ વર્ષે 37.3 અબજ ડોલરનો વધારો થયો છે અને તેમની સંપત્તિ લગભગ 199 અબજ ડોલર થઈ ગઈ છે. આ યાદીમાં ત્રીજા નંબર પર રહેલા જેફ બેઝોસની સંપત્તિમાં વર્ષ 2023ની શરૂઆતથી અત્યાર સુધીમાં 47.6 અબજ ડોલરનો વધારો થયો છે અને કુલ સંપત્તિ વધીને 155 અબજ ડોલર થઈ ગઈ છે. તો ચોથા અને પાંચમાં નંબરે રહેલા અનુક્રમે બિલ ગેટ્સની સંપત્તિ 24.7 અબજ ડોલર 134 અબજ ડોલર થઈ ગઈ છે અને લેરી એલિસનની સંપત્તિ 40.3 અબજ ડોલર વધીને 132 અબજ ડોલર થઈ ગઈ છે.
મુકેશ અંબાણીને કેટલી કમાણી થઇ
ભારતના ધનકુબેરોની વાત કરીયે તો વિશ્વના અબજોપતિની યાદીમાં હાલ 13માં સ્થાને રહેલા મુકેશ અંબાણીની સંપત્તિ વર્ષ 2023ના પ્રથમ છ મહિનામાં 3.46 અબજ ડોલર વધી છે અને તેમની કુલ નેટવર્થ 90.6 અબજ ડોલર થઇ છે.
આ પણ વાંચોઃ અંબાણી પરિવારના ઘરની મુલાકાત હવે તમે અંદરથી માત્ર 2 રૂપિયામાં લઈ શકો છો , જાણો કેવી રીતે?
ગૌતમ અદાણીની સંપત્તિના શું હાલ છે?
જો કે ગૌતમ અદાણી માટે વર્ષ 2023 ઘણું જ પીડાદાયક અને નુકસાનદાયક સાબિત થયુ છે. જાન્યુઆરી 2023ના છેલ્લા સપ્તાહમાં યુએસ શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ ગૌતમ અદાણીની માલિકીની લિસ્ટેડ કંપનીઓના શેરમાં મસમોટા કડાકા બોલાતા તેમની સંપત્તિમાં જંગી ધોવાણ થયુ છે. વર્ષ 2023ના પ્રથમ છ મહિનામાં ગૌતમ અદાણીની સંપત્તિમાં અધધધ 60.2 અબજ ડોલરનું ધોવાણ થયું છે અને હાલ તેઓ 60.3 અબજ ડોલરની સંપત્તિ સાથે દુનિયાના અબજોપતિની યાદીમાં 21માં સ્થાને છે.