Loan On Aadhaar Card By PM Svanidhi Yojana: આધાર કાર્ડ મહત્વનો દસ્તાવેજ છે. બેંકમાં ખાતું ખોલાવવાથી લઇ આઇટી રિટર્ન ફાઇલ કરવા માટે આધાર કાર્ડની જરૂર પડ છે. પણ શું તમને ખબર છે, આધાર કાર્ડ પરથી લોન પણ મળે છે, તે પણ કોઇ જામીનગીરી વગર. અહીં આધાર કાર્ડ પર 50 હજાર સુધીની લોન કેવી રીતે મળે છે તેના વિશે જાણકારી આપી છે.
વર્ષ 2020માં કોરોના મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે લારી વાળા, સ્ટ્રીટ વેન્ડર્સ અને નાના વેપારીઓને આર્થિક સહાય માટે એક નવી યોજના શરૂ કરી હતી. કોરોના સમયે નાના વેપારીઓની મદદ માટે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના શરૂ કરાઇ હતી. આ યોજનાનું પુરું નામ પ્રાઇમ મિનિસ્ટર સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના. આ યોજનાનો ઉદ્દેશ્ય નાના વેપારીઓને આર્થિક સહાય આપવાનો અને સ્વનિર્ભર બનાવવાનો હતો. જેથી મહામારી બાદ નાના વેપારીઓ ફરીથી તેમના વેપાર ધંધા શરૂ કરી શકે અને આર્થિક રીતે મજબૂત બનશે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ વેપારીઓને ગેરંટી વગર લોન મળે છે.
પીએમ સ્વનિધિ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો
પીએમ સ્વનિધિ યોજના હેઠલ વેપારીઓ ગેરંટી કે જામીનગીરી વગર આધાર કાર્ડ પર લોન મેળવી શકે છે. આ યોજના હેઠળ પહેલા વેપારીઓને 10000 સુધીની લોન આપવામાં આવે છે. આ લોન કોઇ ગેરંટી વગર આધાર કાર્ડ સાથે જોડાયેલી હોય છે. જો વેપારી સમય પહેલા લોનની પરત ચૂકવણી કરે છે, તો બીજી વખત 20000 રૂપિયા સુધીની લોન મેળવી શકે છે. જો વેપારી સફળતાપૂર્વક સતત લોન પેમેન્ટ કરે છે તો તેની લોન લિમિટ 50000 રૂપિયા સુધી વધારવામાં આવે છે. 12 મહિનાના ઇએમઆઈ હપ્તામાં લોન ચૂકવણી કરવાની હોય છે.
પીએમ સ્વનિધિ યોજના માટે અરજી કેવી રીતે કરવી : PM Svanidhi Yojana Online Apply
પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ લોન માટે અરજી કરવાની પ્રક્રિયા સરળ છે. આ યોજના માટે અરજી કરવા માટે સૌથી પહેલા તમારી પાસે માન્ય આધાર કાર્ડ હોવું જોઇએ, કારણ કે યોજના હેઠળ લોન પ્રક્રિયા આધાર કાર્ડ સાથે લિંક હોય છે. આધાર કાર્ડ તમારા મોબાઇલ નંબરથી લિંક હોય છે. જો તમે ઓનલાઇન અરજી કરો છો તો, ઇ કેવાયસી અને આધાર વેરિફિકેશન માટે આ લિકિંગ આવશ્યક છે.
તમે કોઇ પણ સરકારી બેંકમાં જઇ આ યોજના માટે અરજી કરી શકો છો. પોર્ટલ પર ઓનલાઇન અરજી અથવા કોઇ પણ કોમન સર્વિસ સેન્ટર (CSC) જઇને પણ અરજી કરી શકાય છે. અરજી કરવાના સમયે આધાર કાર્ડ ધારક વ્યક્તિની સામાન્ય માહિતી, વેપાર ધંધાની જાણકારી આપવાની હોય છે.