અદાણી ચેરપર્સન ગૌતમ અદાણી નેટવર્થ મામલે રિલાયન્સના મુકેશ અંબાણી કરતાં આગળ નીકળી ગયા છે. હિંડન બર્ગ અહેવાલ બાદ સર્જાયેલી સ્થિતિ હળવી બનતાં અદાણી ગ્રુપ ઉભરી રહ્યું છે અને ગૌતમ અદાણી હવે મુકેશ અંબાણીને પછાડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર અદાણી ગ્રુપ ઓફ કંપનીના ચેરપર્સન ગૌતમ અદાણી વિશ્વના 12મા ધનિક વ્યક્તિ બની ગયા છે.
ગૌતમ અદાણી, એક એવું નામ જે સામાન્ય રીતે હેડલાઇન્સમાં રહે છે. પરંતુ જાન્યુઆરી 2023માં અમેરિકન શોર્ટ સેલર કંપની હિંડનબર્ગનો રિપોર્ટ બહાર આવ્યા બાદ અદાણીનું નામ સતત સમાચારોમાં રહ્યું છે. આ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર નાણાકીય ગેરરીતિ, સ્ટોક હેરાફેરી અને અનિયમિતતાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
હિંડનબર્ગ રિપોર્ટ આવતાની સાથે જ માર્કેટમાં ખળભળાટ મચી ગયો હતો અને અદાણી ગ્રુપની લગભગ તમામ કંપનીઓના શેર તૂટ્યા હતા. પરંતુ હાલમાં જ સુપ્રીમ કોર્ટના એક નિર્ણયમાં દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિને રાહત મળી છે. કોર્ટનો નિર્ણય આવતાની સાથે જ અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. જેના કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ ઘણો વધારો થયો છે. અને હવે તેણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે.
ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ (BBI)ના અહેવાલ મુજબ, અદાણી ગ્રુપ ઓફ કંપનીઝના ચેરપર્સન ગૌતમ અદાણી રિલાયન્સના ચેરપર્સન મુકેશ અંબાણીને પાછળ છોડીને ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.
જો દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની યાદીની વાત કરીએ તો અદાણી 12મા નંબરે છે. જ્યારે મુકેશ અંબાણી તેમનાથી માત્ર એક નંબર પાછળ એટલે કે 13મા ક્રમે છે. દેશના બંને મોટા ઉદ્યોગપતિઓએ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે યાદીમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. અગાઉ ડિસેમ્બર 2003માં ગૌતમ અદાણી 15મા સ્થાને હતા જ્યારે મુકેશ અંબાણી અબજોપતિઓની યાદીમાં 14મા સ્થાને હતા.
મુકેશ અંબાણી vs ગૌતમ અદાણી નેટવર્થ
ગૌતમ અદાણીની કુલ સંપત્તિ હાલમાં $97.6 બિલિયન સુધી પહોંચી ગઈ છે. અદાણી ગ્રુપના સ્થાપક ગૌતમ અદાણી વિશ્વના 12મા સૌથી ધનિક વ્યક્તિ અને ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની નેટવર્થ $7.67 બિલિયન વધી છે અને તેમની પાસે $13.3 બિલિયન યર ટુ ડેટ (YTD) નેટ વર્થ છે. હિન્ડેનબર્ગના અહેવાલ પછી અદાણીને ભારે નુકસાન થયું હતું અને તેની નેટવર્થમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો.
અમદાવાદના અદાણી ગ્રુપનું નેતૃત્વ ગૌતમ અદાણી પાસે છે. આ જૂથ દેશમાં સૌથી મોટું ખાનગી બંદર ધરાવે છે અને વૈશ્વિક કોલસાના વેપારમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થ હાલમાં $97 બિલિયન છે.